VIDEO: Suratમાં BRTSએ રાહદારીને ઉડાવ્યો, અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થતા ઉશ્કેરાયેલા ટોળાએ બસના કાચ ફોડ્યા
સુરતમાં સીટી બસ અને BRTS બસના અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ચીકુવાડી પાસે એક BRTS બસે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને બસે જોરદાર ટક્કર મારતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાની બીકે BRTS બસનો ડ્રાઈવર બસ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ડ્રાઈવર ફરાર થઈ જતાં અને વારંવાર થતા અકસ્માતોને લઈને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ BRTS બસના કાચ ફોડી નાખ્યા હતા. ઘટનાને પગલે ચીકુવાડી વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

