ભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ પ્રેમ, પૈસા કે પીડા? કોર્પોરેશનની ટિકિટના બે કરોડ પડાવાયાની ચર્ચા

સુરતના અલથાણ વિસ્તારમાં ભાજપની મહિલા નેતા દિપીકા નરેશ પટેલના આપઘાતનું કોકડું રોજે રોજ વધુ ગૂંચવાઈ રહ્યું છે. રોજે રોજ નવા નવા ફણગાં ફૂટી રહ્યાં છે. ત્યારે પ્રેમ, પૈસા કે પીડા આ ત્રણમાંથી કયા મુખ્ય કારણોસર આપઘાત કર્યો તેની તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવી છે. આ દરમિયાન પાવર માટે પાલિકાની ચૂંટણીમાં ટિકિટના નામે મહિલા નેતા પાસેથી બે કરોડ જેટલી માતબર રકમ પડાવવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પણ વાંચોઃ સુરતના વરાછામાં કાયદાની સ્થિતિ કથળી, અસામાજિક ત્તત્વોએ સોસાયટીમાં ઘુસી કરી તોડફોડ
ચર્ચાસ્પદ આપઘાત
વોર્ડ નંબર 30ની ભાજપ મહિલા મોરચાની વોર્ડ પ્રમુખ દીપિકા નરેશ પટેલે રવિવારના રોજ બેડરૂમમાં ફાંસો ખાધો હતો. અગાઉ તપાસ અલથાણ પોલીસ પાસે હતી. જો કે હવે ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારીને તપાસ સોંપવામાં આવી છે. દિપીકા પટેલના ફોનને એફએલમાં મોકલવામાં આવ્યો છે. આ સાથે જ કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીનો પણ મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.જેની તપાસ કરવામાં આવી રહી છે.
દિપીકા ટિકિટની હતી દાવેદાર
દીપીકા પટેલના આપઘાતને લઈને પરિવાર જનો દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. ભાજપમાં જોરશોરથી એક એ ચર્ચા રહી છે કે, મહિલા પાંખની વોર્ડ પ્રમુખ બન્યા પછી હવે મનપાની ચૂંટણીમાં દિપીકા ટિકિટની દાવેદાર હતી. આ બાબતે તેણે ઈચ્છા વ્યક્ત કર્યા બાદ ટિકિટ મળી જશે એવા સપના બતાવાઈ એક નેતા દ્વારા બે કરોડ પડાવી લીધા છે. દિપીકાને ત્રણ સંતાન છે. જ્યારે ભાજપમાં બે સંતાન ધરાવતી વ્યક્તિને જ ટિકિટનો ક્રાઈટેરિયા હોવાથી દીપિકાને એક સંતાન સરકારી ચોપડે અન્યને દત્તક આપવાની સલાહ પણ આ નેતાએ આપી હતી. મનપાની ટિકિટ અપાવી દેશે એવી બાંહેધરી આપનાર આ નેતા અંગે સૌથી વધુ ચર્ચાએ જોર પકડ્યું છે.
જમીનના રૂપિયા આવ્યા હતા
ભીમરાડમાં સુખી સંપન્ન દીપિકા પટેલનો પરિવાર મોટા ખેડૂત તરીકે ઓળખ ધરાવે છે. તાજેતરમાં એક બિલ્ડરે આ પરિવારની કિંમતી જમીન વેચાતી લીધી હતી. જેના પેટે મોટી રકમ પરિવારને મળી હતી. પરિવારનો સંપૂર્ણ વહીવટ કરતી દીપિકા પાસેથી રાજકીય નેતાએ અમુક રોકાણના બહાને રકમ પડાવી લીધી હોવાની શંકાએ પણ આપઘાત કર્યો હોય એવી ચર્ચા પણ જોરમાં છે.

