મિર્ઝાપુર વેબસિરિઝ જોઈ મુન્નાભૈયા બનવા નીકળેલો દબોચાયો, સુરતમાં બિલ્ડર પાસે માગી 2 લાખની ખંડણી

ફિલ્મો, ટીવી અને વેબસિરિઝનો પ્રભાવ યુવા વર્ગ પર વધુ જોવા મળતો હોય છે. ત્યારે થોડા સમય અગાઉ આવેલી મિર્ઝાપુર વેબસિરિઝમાંથી સારી પ્રેરણા લેવાની જગ્યાએ ખરાબ પ્રેરણા લઈને મુન્નાભાઈની જેમ ગેંગસ્ટર બનવા નીકળેલા આરોપીએ બિલ્ડરને ધમકી આપી હતી. 2 લાખની ખંડણી માગી હતી. બાદમાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ધમકીભર્યો ફોન કર્યો
ઉધના રોડ નં. 4, પ્લોટ નં.1/11 ખાતે બાંધકામ ચાલી રહ્યું હતું. આ સમયે અચાનક બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. બિલ્ડરે ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા આરોપીએ વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલીને વધુ ગંભીર ધમકી આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, જો બાંધકામ ચાલુ રાખવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ. ખંડણીની માગ સાથે આવતી આ ધમકીઓ બાદ બિલ્ડરે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે તપાસ આદરી આરોપી સમીરખાન શહીલખાન પઠાણને ઝડપી લીધો હતો.
મુન્નાભાઈ બનવા નીકળેલો
ઉધના પોલીસે સમીર પઠાણને પકડ્યા બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ આરોપી માત્ર ધાક જમાવવા માટે હત્યાનો આરોપી હોવાનું કહેતો હતો. હકીકતમાં તે માત્ર એક પેઈડ મજૂર છે, જે મિર્ઝાપુર જેવી વેબસિરીઝ જોઈને પોતાને માથાભારે ઈસમ બતાવવા માંગતો હતો. હાલમાં ઉધના પોલીસ સમીર પઠાણ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. એક યુવક ફિલ્મી સ્ટાઇલ મુન્નાભાઈ બનવા નીકળ્યો, પણ હકીકત એ છે કે અસલી જીવનમાં ક્રાઈમ કરનારની જેલમાં જ જગ્યા થાય.

