VIDEO: સુરતની મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી, કૂકીઝમાંથી લાકડાનો અણીદાર ટુકડો નીકળ્યો, વીડિયો વાયરલ
સુરત શહેરની જાણીતી મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ગંભીર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે. 29 ઓગસ્ટની મોડી રાત્રે હોટેલના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝમાંથી લાકડાના અણીદાર ટુકડા મળી આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, ગ્રાહકે કૂકીઝ મોંમાં મૂકતા જ તેમાં રહેલો તીક્ષ્ણ લાકડાનો ટુકડો મોંમાં વાગ્યો હતો. ઘટનાને પગલે ગ્રાહકે હોટેલ મેનેજમેન્ટનું ધ્યાન દોર્યું હતું.
ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ
આ મામલે હોટેલ મેનેજમેન્ટે પોતાની ભૂલ સ્વીકારી પણ સમગ્ર ઘટનાને લઈને કેમેરા સામે કે લેખિતમાં સત્તાવાર નિવેદન આપવા મેનેજમેન્ટે ઇનકાર કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ઘટનાથી નારાજ ગ્રાહકે સમગ્ર મામલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોની સુરક્ષામાં બેદરકારી બદલ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રતિષ્ઠિત હોટેલમાં પીરસવામાં આવતા ખાદ્યપદાર્થમાંથી અણીદાર લાકડાનો ટુકડો મળી આવવાની ઘટનાએ ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઉભા કર્યા છે. હવે SMCના ફૂડ વિભાગ દ્વારા ફરિયાદના આધારે શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

