VIDEO/ Sabarkantha: દઢવાવમાં 4 દિવસથી વીજ ગુલ, કાળઝાળ ગરમીમાં પશુપાલકો અને ખેડૂતો બેહાલ
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દઢવાવ ગામમાં છેલ્લા ચાર દિવસથી થ્રી ફેઝ વીજ પુરવઠો બંધ હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાવાઝોડા બાદ ડામોરવાસ વિસ્તારમાં વીજ લાઈનમાં ખામી સર્જાતા ખેડૂતો અને પશુપાલકો સૌથી વધુ પરેશાન બન્યા છે, કારણ કે બોરવેલ અને પાણીની મોટરો ઠપ્પ થઈ ગઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે પશુઓને પાણી પીવડાવવા અને ઘાસચારો માટે પણ ભારે હાલાકી ઉભી થઈ છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત છતાં જવાબદાર અધિકારીઓ કોઈ યોગ્ય કાર્યવાહી કરી રહ્યા નથી. પ્રાઇવેટ કંપની હોવા છતાં કામગીરી સરકારી ઢબે ચાલતી હોવાનો આરોપ લગાવી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે આંતરિયાળ વિસ્તારમાં નલ સેજલ યોજના માત્ર કાગળ ઉપર જ હોવાનો પણ આક્ષેપ થયો છે. ગ્રામજનોએ તાત્કાલિક વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે.

