Sabarkanthaમાં પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ, 3.42 કરોડની છેતરપિંડીની નોધાઇ ફરિયાદ

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ઊંચા વ્યાજદરની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે 'એ.આર. કન્સલ્ટન્સી' નામની પેઢી સામે ₹3 કરોડ 42 લાખ 91 હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
3 થી 10 ટકાના માસિક વ્યાજની લાલચ
આ કૌભાંડ એક પોન્ઝી સ્કીમના સ્વરૂપમાં ચલાવવામાં આવી રહ્યું હતું. રોકાણકારોને બેંકના વ્યાજદર કરતાં અનેક ગણું વધારે, એટલે કે 3 થી 10 ટકા સુધીનું માસિક વ્યાજદર આપવાની લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી.
આ પોન્ઝી સ્કીમની જાહેરાત સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ પર મોટા પાયે કરવામાં આવતી હતી. આ લોભામણી સ્કીમમાં રોકાણ કર્યા બાદ ભોગ બનેલા પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે. ઊંચું વ્યાજ આપવાની લાલચ આપનારાઓ હાલમાં ઓફિસને હાલમાં તાળા મારી ભાગી ગયા છે.
કરોડોનું ફૂલેકું ફેરવી ટોળકી પલાયન
પોલીસને આશંકા છે કે સાબરકાંઠા જિલ્લામાં અનેક લોકોને એજન્ટ બનાવીને તેમની મારફતે મોટા પાયે રોકાણ કરાવવામાં આવ્યું હતું. રોકાણકારોની ડિપોઝિટ રકમ પોન્ઝી સ્કીમમાં ફસાઈ ગઈ છે અને કરોડોનું ફૂલેકું ફેરવીને લોભિયા ટોળકી પ્લાયન થઈ ગઈ છે.
હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે નીચેના ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે:
1. અજયસિંહ રજુસિંહ મકવાણા (રહે. ભાગ્યોદય સોસાયટી, મોદી ગ્રાઉન્ડની પાસે, બેરણા રોડ, મૂળ રહેવાસી વરવાડા, તલોદ)
2. રજૂસિંહ લાલસિંહ મકવાણા (રહે. ભાગ્યોદય સોસાયટી, મોદી ગ્રાઉન્ડની પાસે, બેરણા રોડ, મૂળ રહેવાસી વરવાડા, તલોદ)
3. વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા (રહે. જુના બળવંતપુરા, હિંમતનગર)
પોલીસે હવે આ ત્રણેય આરોપીઓને પકડી પાડવા અને રોકાયેલી રકમ પરત અપાવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

