ઈડરની હસનપુરા શાળામાં ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ કાર્યવાહી; શિક્ષક સસ્પેન્ડ, ત્રણ કર્મચારીઓ ફરજમુક્ત

સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના ઈડરની હસનપુરા શાળામાં મૃત ગરોળી મળવાની ઘટનામાં તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. બેદરકારી બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ પીએમ પોષણ કર્મચારીઓ ફરજમુક્ત કરાયા છે. ફૂડ પોઇઝનિંગની અસર બાદ સારવાર હેઠળ રહેલા તમામ ૩૬ બાળકો સંપૂર્ણ સુરક્ષિત છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આ ઘટના બાદ જિલ્લાના ૧૨૦૦ પીએમ પોષણ કેન્દ્રોમાં તાકીદે તપાસ માટે ખાસ ટીમો બનાવાઈ છે, જે કામગીરીનું નિરીક્ષણ કરશે. બાળકોને પીરસતા પહેલાં આચાર્ય કે શિક્ષકે ભોજનનું ટેસ્ટિંગ કરવું ફરજિયાત રહેશે. પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક અનિલા સુથાર સામે સ્થાનિક તંત્રએ કાર્યવાહી કરી છે. જ્યારે રસોઈયા જમીલાબેન બી. બલોચ, મદદનીશ સુગરાબેન એ. સંઘીને ફરજમુક્ત કરાયા છે.
શું હતો મામલો?
સાબરકાંઠા જિલ્લાના ઇડરના હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની અડદની દાળ જમ્યા બાદ અચાનક જ શાળાના ભૂલકાઓની તબિયત લથડવા લાગી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા 45 કરતાં વધુ બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ગંભીર ઘટનાએ મધ્યાહન ભોજન વિભાગ અને પૌષ્ટિક આહાર પૂરો પાડતી વહીવટી પ્રણાલીની મોટી બેદરકારીને ઉજાગર કરી છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં પુરવઠા વિભાગ અને મધ્યાહન ભોજન સંચાલકોની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

