Rajkot: બે ડૉક્ટરની બેદરકારીથી યુવકનું મોત, પોલીસે બંને તબીબો સામે ગુનો નોંધ્યો
રાજકોટ જિલ્લાના કુવાડવા રોડ પર આવેલ સ્કંદ લાઇફ કેર હોસ્પિટલ અને વોકહાર્ટ હોસ્પિટલના બે ડૉક્ટરો વિરુદ્ધ ડેન્ગ્યુના દર્દીની સારવારમાં બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં નવ મહિના પૂર્વે એક 28 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્કંદ હોસ્પિટલના ડૉ. હાર્દિક સંઘાણી અને વોકહાર્ટ હોસ્પિટલના ડૉ. જીજ્ઞેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 106(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ઘટના લગભગ નવ મહિના પૂર્વે બની હતી, જ્યારે 28 વર્ષીય યુવાન જય રેનપરાને ડેન્ગ્યુની સારવાર માટે સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું, જેના પગલે પરિવારે ડૉક્ટરોની બેદરકારી અંગે સવાલો ઉઠાવ્યા હતા.
આ મામલે તબીબી બેદરકારીની તપાસ માટે મેડિકલ કોલેજની એક ટીમ દ્વારા ઊંડાણપૂર્વકનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજની ટીમના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, સારવાર દરમિયાન બંને ડૉક્ટરોએ ગંભીર લાપરવાહી દાખવી હતી, જેના કારણે યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

