Rajkot news: વીમો પકવવા પુત્રએ પિતરાઇ ભાઈ સાથે મળી પિતાને પતાવી દીધા, વિદેશ જવા પૈસા ન હોવાથી ઘડ્યો હતો પ્લાન

રાજકોટમાં વિદેશ જવાની ઘેલછામાં પુત્રએ જ પિતાની કરપીણ હત્યા કરી નાખી છે. મૃતકના પુત્ર અને ભત્રીજાએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનું કારસ્તાન રચ્યું હતું. જો કે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા પુત્રને વિદેશ જવું હોય, તેના માટે પૈસાની જરૂર હોવાથી 50 લાખનો વીમો પકવવા આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે.
પુત્રએ પિતરાઈ ભાઈ સાથે મળીને પિતાની કરી હત્યા
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં ખેતરમાંથી કાના જોગનાનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતદેહ પર ઇજાના નિશાન જોવાતા પોલીસને હત્યા થઇ હોવાની શંકા હતી. જો કે મૃતકના પુત્ર અને ભત્રીજાએ કાનાભાઈનું મોત અકસ્માતે થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતકના પુત્ર રામદે જોગ અને ભત્રીજા વિરમ જોગની કડક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને જણાવ્યું હતું કે રામદે જોગને વિદેશ જવું હતું, પણ પૈસા ન હોવાથી તેના પિતાનો અંદાજિત રૂ.50 લાખનો વીમો પકવવા આ હત્યા કરી હતી. રામદેએ પિતરાઈભાઇ વિરમને રૂ.1 લાખ અને આજીવન ખાવાનું આપશે તેવી લાલચ આપી પિતાની હત્યા કરાવી હતી. જે બાદ પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

