જલારામ બાપા વિશે ટિપ્પણી મામલે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં લેખિત ફરિયાદ

વડતાલ સ્વામિનારાયણ ધામના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીનો મામલો સુલઝવાની જગ્યાએ વધુ ગુંચવણભર્યો થતો જાય છે. એક તરફ વડતાલ ધામના મુખ્ય દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી હતી તેમજ બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી પણ પોતાની અનુકૂળતાએ જલારામ મંદિર આવશે અને ત્યાં બાપાના પરિવાર તથા સંસ્થાની માફી માંગશે તેવું પણ જણાવ્યું હતું.
ત્યારે રાજકોટમાં જલારામ બાપ અંગે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી છે. આ મામલે જયભારત ધામેચા નામના એડવોકેટ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપવામાં આવી છે. ભારતીય ન્યાય સંહીતાની કલમ 298, 302, 356 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા લેખિતમાં ફરિયાદ અપાઈ છે.
જલારામ બાપા વિશેની ટિપ્પણીને લઈને ગુજરાતભરમાં બાપાના ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. સૌ ભક્તો અને સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી કે જ્ઞાનપ્રાકશ સ્વામી જાહેરમાં આવીને માફી માંગે તેમજ વીરપુર આવીને બાપાના પરિવાર તથા સંસ્થાની માફી માંગે. વડતાલ ધામના સ્વામી દેવ સ્વરુપ સ્વામી દ્વારા આ મામલે બાંહેધરી આપવામાં આવી હતી કે જ્ઞાનપ્રકાશ સ્વામી રઘુવંશી સમાજના સંતોષ માટે તેમની માંગને પુરી કરશે પરંતુ જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા વિરોધ બાદ હજુ પણ આ મામલે જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપવામાં ન આવતા ભક્તોમાં રોષ યથાવત રુપે જોવા મળી રહ્યો છે.
શું હતો વિવાદ?
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'

