VIDEO: ધોરાજી પંથકના ખેડૂતોની જળ-સમસ્યા: રિપેરિંગ-સફાઈના અભાવે સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચ્યું નહીં!
VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો હાલમાં સિંચાઈના પાણીને લઈને ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. સિંચાઈ વિભાગ (ઈરિગેશન) દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં, કેનાલની જર્જરિત સ્થિતિ અને સફાઈના અભાવે આ પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચી શક્યું નથી, જેને કારણે રવીપાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઈરિગેશન વિભાગના નિયમ મુજબ નવેમ્બર મહિનામાં કેનાલ મારફતે પાણી છોડવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બરની 13 તારીખે પાણી છોડાયાની માહિતી મળી હોવા છતાં, બે દિવસ વીતી ગયા બાદ પણ ધોરાજીના ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું નથી.
ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે કેનાલની સફાઈ અને મરામત (રિપેરિંગ) કર્યા વગર જ પાણી છોડવામાં આવ્યું છે. કેનાલોમાં ગંદકી, કાંપ અને તૂટેલા ભાગોને કારણે પાણીનો પ્રવાહ ધીમો પડી રહ્યો છે, જેના પરિણામે છેવાડાના ખેડૂતોને પૂરો લાભ મળવો લગભગ અશક્ય છે. સમયસર પાણી ન મળવાને કારણે ખેડૂતો નવા વાવેતર કરી શક્યા નથી. જો તાત્કાલિક પાણી નહીં મળે, તો એરંડા, તુવેર, અને ઘઉં જેવા રવી પાકોને ભારે નુકસાન થવાની અને ખેડૂતોને આર્થિક ફટકો પડવાની સંભાવના છે.
ખેડૂતોએ કેનાલ સમિતિ અને સરકારી તપાસ અધિકારીઓ પર સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેના કારણે દર વર્ષે ખેડૂતોને તકલીફો સહન કરવી પડે છે. કેનાલના પાણીની આતૂરતાથી રાહ જોઈ રહેલા લાચાર ખેડૂતો હવે સિંચાઈ વિભાગ સમક્ષ વહેલી તકે કેનાલનું સમારકામ અને સફાઈ હાથ ધરીને છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાની માંગ કરી રહ્યા છે, જેથી રવીપાકને બચાવી શકાય અને ખેડૂતોને મોટી રાહત મળી શકે.

