VIDEO: ધોરાજીમાં વ્યાજખોરનો આતંક! 5 લાખના વ્યાજ સામે 35 લાખનું મકાન પચાવી પાડ્યું, પિતા-પુત્રને ધમકી આપી મકાન ખાલી કરાવ્યું, આરોપી સામે ગુનો દાખલ
VIDEO: રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વ્યાજખોરોની લાલચ એટલી હદે વધી ગઈ છે કે તેઓ સામાન્ય માણસની આખી જિંદગીની મૂડી સમાન મકાનો પચાવી પાડી રહ્યા છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો ધોરાજી પંથકમાંથી સામે આવ્યો છે, જ્યાં માત્ર 5 લાખની ઉધાર રકમ સામે એક વ્યાજખોરે વૃદ્ધનું 35 લાખનું મકાન પડાવી લીધું છે.
શું છે સમગ્ર ઘટના?
ધોરાજીના 56 વર્ષીય અરવિંદભાઈ દેવરાજભાઈ ચાવડા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. સાડા ત્રણ વર્ષ પહેલાં તેમણે માર્કેટ યાર્ડમાં કેન્ટીનનો વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક મદદની જરૂર હતી. આ માટે તેમણે જામકંડોરણાના હરપાલસિંહ ચુડાસમા પાસેથી 3 ટકા વ્યાજે રૂપિયા 5 લાખ ઉછીના લીધા હતા. આ રકમના બદલામાં હરપાલસિંહે સુરક્ષા તરીકે અરવિંદભાઈ પાસેથી સહી કરેલા કોરા ચેક લખાવી લીધા હતા.
ચોમાસામાં ધંધો મંદ પડતા વ્યાજખોર ત્રાટક્યો
શરૂઆતના તબક્કે અરવિંદભાઈએ નિયમિત વ્યાજ ચૂકવ્યું હતું, પરંતુ ગત ચોમાસામાં કેન્ટીનનો ધંધો મંદ પડતા તેઓ વ્યાજ ભરી શક્યા નહોતા. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી વ્યાજખોર હરપાલસિંહે ધાક-ધમકી આપવાનું શરૂ કર્યું. વ્યાજખોરે મકાન પરની 11 લાખની લોન ભરી આપીને, ડરાવી-ધમકાવીને અરવિંદભાઈનું કિંમતી મકાન પોતાના નામે કરાવી લીધું.
ધમકી આપી મકાન ખાલી કરાવ્યું
મકાન પોતાના નામે કરાવ્યા પછી પણ હરપાલસિંહની તૃષ્ણા સંતોષાઈ નહોતી. તેણે અરવિંદભાઈને ધમકી આપી હતી કે, "આ હવે મારા બાપનું મકાન છે, ખાલી કરી દેજો નહીતર હાથ-પગ ભાંગી નાખીશ." જીવના જોખમે અરવિંદભાઈએ પોતાનું હક્કનું મકાન ખાલી કરવું પડ્યું અને તેઓ ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા. વધુમાં, વ્યાજખોરે જૂના કોરા ચેકનો ઉપયોગ કરી અરવિંદભાઈ પર કોર્ટમાં ચેક બાઉન્સના કેસ પણ કરી દીધા હતા.
પોલીસ કાર્યવાહી
આખરે કંટાળીને અને હિંમત ભેગી કરીને અરવિંદભાઈએ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ASP સીમરન ભારદ્વાજે જણાવ્યું હતું કે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5) અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

