VIDEO: રાજકોટના ભાયાવદર પોલીસની સફળ કામગીરી! સોનું ખરીદવાને બહાને નકલી વીંટી પધરાવતી મહિલા ગેંગ અને તેના સાગરિતોને ઝડપી લીધા
VIDEO: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સોની વેપારીઓને નિશાન બનાવતી એક શાતિર આંતર જિલ્લા ગેંગનો ભાયાવદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ઢાંક ગામે આવેલી એક જ્વેલરી શોપમાં નજરચૂકવી સોનાની અસલ વીંટીઓ ચોરી કરી નકલી પધરાવી દેતી આ ટોળકીના પાંચ સભ્યોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
સમગ્ર ઘટનાક્રમ: વારાહી જ્વેલર્સમાં કેવી રીતે આચરી છેતરપિંડી?
ઢાંક ગામે આવેલી "વારાહી જ્વેલર્સ" નામની દુકાનમાં થોડા દિવસો પહેલા ત્રણ મહિલાઓ અને એક સગીર કિશોરી સોનું ખરીદવાના બહાને આવી હતી. આ મહિલાઓએ સોની વેપારીને સોનાની વીંટીઓ બતાવવાનું કહી તેમની નજર ચૂકવી હતી. અત્યંત ચાલાકી પૂર્વક આ ગેંગે અસલ સોનાની વીંટીઓ લઈ લીધી અને તેના સ્થાને આબેહૂબ દેખાતી નકલી ધાતુની વીંટીઓ બોક્સમાં મૂકી દીધી હતી.
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ
સોની વેપારીને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે તુરંત ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસના અંતે પોલીસે પાંચ ઈશમોને ઝડપી પાડ્યા છે, જેની પાસેથી:
રૂ. 70,000ની કિંમતની 2 સોનાની વીંટી
રૂ. 4,00,000ની કિંમતની બોલેરો ગાડી
રૂ. 31,000ની કિંમતના 4 મોબાઈલ ફોન
સહિત કુલ રૂ. 5,01,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સાત શહેરોમાં આચરી હતી છેતરપિંડી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ આંતર જિલ્લા ગેંગે ચોંકાવનારી કબૂલાત કરી છે. આ ટોળકીએ માત્ર ભાયાવદર જ નહીં, પરંતુ અગાઉ પોરબંદર, માંડલ, બાંટવા, મીઠાપુર, પ્રાચી અને તાલાળા જેવા શહેરોમાં પણ સોની વેપારીઓ સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હોવાનું સ્વીકાર્યું છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કેટલા ગુનાઓમાં તેમની સંડોવણી છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

