VIDEO: રાજકોટમાં શૌર્યનો સિંદૂર લોકમેળાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખુલ્લો મૂક્યો
VIDEO: રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં જેની આખા વર્ષથી પ્રતીક્ષા કરવામાં આવતી તે લોકમેળો આજથી શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના ભાતીગળ લોકમેળો શૌર્યના સિંદૂરનો રાજ્યના કૃષિ અને રાજકોટના પ્રભારી મંત્રી એવા રાઘવજી પટેલ દ્વારા સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ લોકમેળો આગામી 18મી ઓગસ્ટ સુધી ચાલશે.
જો કે, રાજકોટના લોકમેળો શરૂ થયા બાદ પણ વિવાદ યથાવત રહ્યો હતો. આ લોકમેળામાં વીઆઇપી કલ્ચર જોવા મળ્યું હતુ. જેમાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ સહિતનાએ રાઇડમાં બેસીને મજા માણી હતી. સામાન્ય પ્રજા માટે રાઇડ્સ હજુ પણ સતાવાર રીતે બંધ રહેતા લોકમેળામાં સામાન્ય પ્રજા માટે રાઇડ્સ બંધ રહેતા લોકોમાં નિરાશા જોવા મળી હતી. કેબિનેટ મંત્રીને સારું લગાડવા તંત્રએ રાઈડસમાં ચક્કર લગાવડાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો.
આ લોકમેળામાં R&B વિભાગે 6 રાઈડ્સના પોઝિટિવ રિપોર્ટ આપ્યા છે. જેથી આવતીકાલ સુધીમાં તમામ રાઈડ્સ શરૂ થાય તેવી શકયતા છે. ચકડોળ, ડ્રેગન રાઈડ્સ, ટોરાટોરા સહિતની રાઈડ્સને મંજૂરી મળશે. જો કે, આજે લોકો રાઈડસની મજા માણવાથી વંચિત રહ્યા હતા. આજે યાંત્રિક રાઈડને લાયસન્સ આપવાની પ્રક્રિયા હજી પણ બાકી છે. સ્પીડ સહિતની ટેસ્ટિંગ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટના લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. આ લોકમેળામાં રમકડાંના 110 સ્ટોલ, નાની ચકરડી 18, મધ્યમ ચકરડી 3, ખાણીપીણી અને આઇસ્ક્રીમ 68 સ્ટોલ, યાંત્રિક રાઇડ્સ 34 શરૂ કરાશે.
લોકમેળાને લીધે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના લોકમેળાનો લીધે કેટલાક રસ્તીઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં રેસકોર્ષ રિંગરોડને જોડતા 8 રસ્તાઓ પર વાહનચાલકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત 14 સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં વાહનચોરી અટકાવવા પાર્કિંગમાં સીસીટીવી રાખવામાં આવશે. ઉપરાંત બે ડીસીપી, ત્રણ એસીપી, 15 પીઆઈ સહિત 1700થી વધુ વધુ પોલીસ જવાનો ખડેપગે આ મેળામાં સુરક્ષા અને અન્ય જવાબદારીઓને લઈ જોવા મળશે. મેળામાં 14 વોચ ટાવરમાં વીડિયોગ્રાફી અને સીસીટીવી કેમેરા સજ્જ રહેશે. NDRF અને SDRFની ટીમો મેળામાં તૈનાત રહેશે.ફાયરની ટીમ પણ સ્ટેન્ડ ટૂ રહેશે. આ વર્ષે મેળાની ભીડને કન્ટ્રોલ કરવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

