VIDEO: રાજકોટ: આમ આદમી પાર્ટીની પૂર્વ ઉમેદવારનો આપઘાત, હત્યાનો આક્ષેપ
જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ‘આપ’ના ૨૩ વર્ષીય પૂર્વ ઉમેદવાર નંદની બોસમીયાનો રાજકોટની ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. નંદની જૂનાગઢના પરિણીત યુવક અસલમ હુસેન સમા સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતી હતી. આ ઘટના અંગે મૃતકના પિતા અને પરિવારે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, બુટલેગર અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો અસલમ અવારનવાર નંદનીને માનસિક શારીરિક ત્રાસ આપી મારકૂટ કરતો હતો અને તેણે જ નંદનીની હત્યા કરી લાશને ફાંસે ટીંગાડી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. મૃતકની બહેનના જણાવ્યા મુજબ ભૂતકાળમાં જૂનાગઢ ખાતે અસલમના પરિવારે નંદની પર છરીથી હુમલો પણ કર્યો હતો. હાલ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે, જ્યારે નંદનીના મૃતદેહને વતન નવાગઢ લાવવામાં આવતા પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

