Video/ Rajkot સિવિલમાં ડોક્ટર-સેવક વચ્ચેની મારામારી બાદ દર્દીનું મોત, નેપાળી સમાજમાં ભારે રોષ
રાજકોટ શહેરની પી.ડી.યુ. (સિવિલ) હોસ્પિટલ ફરી એકવાર વિવાદોનું કેન્દ્ર બની છે. હોસ્પિટલના તબીબ અને બ્લડ આપવા આવેલા એક સેવાભાવી યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટના બાદ, જે દર્દી માટે લોહીની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી તે નેપાળી યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલની સારવાર અને તબીબોના વર્તન સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે.
શું હતી સમગ્ર ઘટના?
માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિનય થાપા નામના નેપાળી યુવકને લોહીની જરૂર હતી. તેની મદદ માટે જયદીપ ચાવડા નામનો યુવક બ્લડ ડોનેટ કરવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દરમિયાન કોઈ કારણોસર ફરજ પરના તબીબ ડો. પાર્થ પંડ્યા અને જયદીપ ચાવડા વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં પરિણમી હતી.
તંત્ર સામે ઉભા થતા તીખા સવાલો
આ સમગ્ર બબાલ બાદ કમનસીબે સારવાર હેઠળ રહેલા નેપાળી યુવક વિનયનું મોત થયું છે. આ મોતે અનેક શંકા-કુશંકાઓને જન્મ આપ્યો છે. સારવારમાં બેદરકારી? શું ડોક્ટર અને લોહી આપવા આવેલા યુવક વચ્ચેના ઝઘડાની અસર વિનયની સારવાર પર પડી હતી? મોતનું કારણ શું? જો વિનયને યોગ્ય સારવાર આપવામાં આવી હતી, તો અચાનક તેનું મોત કેવી રીતે થયું? શિસ્તનો અભાવ? સિવિલ હોસ્પિટલ અગાઉ પણ તબીબોના ગેરવર્તન અને નબળી સારવાર પદ્ધતિને કારણે વિવાદોમાં રહી છે, તો તંત્ર સુધારા કેમ નથી કરતું?
તપાસ સમિતિ માત્ર કાગળ પર?
સામાન્ય રીતે જ્યારે પણ સિવિલ હોસ્પિટલમાં આવી કોઈ ઘટના બને છે, ત્યારે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા 'તપાસ સમિતિ'ની રચના કરવામાં આવે છે. પરંતુ ભૂતકાળનો અનુભવ કહે છે કે આ સમિતિના રિપોર્ટમાં શું આવ્યું અથવા જવાબદારો સામે શું પગલાં લેવાયા, તેની વિગતો ક્યારેય સાર્વજનિક કરવામાં આવતી નથી.
આ ઘટનાને પગલે મૃતક વિનયના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સિવિલ હોસ્પિટલ તંત્ર આ મામલે પારદર્શક તપાસ કરે છે કે પછી હંમેશની જેમ મામલો દબાવી દેવામાં આવે છે.
નેપાળી સમાજમાં ભારે રોષ
માનવતાના નાતે લોહી આપવા આવેલા એક યુવક સાથે ડોક્ટરોની મારામારી અને ત્યારબાદ નેપાળી યુવકના રહસ્યમય મોતને પગલે સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે હવે નેપાળી સમાજ ન્યાયની માંગ સાથે મેદાને આવ્યો છે.
આક્ષેપ છે કે, હોસ્પિટલના વોર્ડમાં બ્લડ ગ્રુપ બાબતે ડોક્ટર અને મયુર નામના શખ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. આ વિવાદ એટલો વકર્યો કે હોસ્પિટલનું વાતાવરણ તંગ બની ગયું હતું.
ડોક્ટરો હડતાલ પર ઉતર્યા અને યુવકે જીવ ગુમાવ્યો!
નેપાળી સમાજના ઉપપ્રમુખ સંજયરાજ કારકીનો ગંભીર આક્ષેપ છે કે, આ ઝઘડા બાદ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા. ડોક્ટરોની આ હડતાલ અને સારવારમાં રાખવામાં આવેલી બેદરકારીને કારણે તે રાત્રે જ નેપાળી યુવકનું મોત નિપજ્યું હતું.

