Rajkotમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ યોજાશે, 5000થી વધુ ઉદ્યોગપતિઓ હાજર રહેશે
સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા આગામી 11મી જાન્યુઆરીથી રાજકોટ ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ'નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.
11મી જાન્યુઆરીના રોજ બપોરે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સને ખુલ્લી મૂકશે. આ પ્રસંગે 6 વિશાળ ડોમમાં તૈયાર કરવામાં આવેલ ખાસ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂતો, 5000 થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ ઉપસ્થિત રહેશે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન, MSME કોંકલેવ, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉધ્યોગ સંવાદ, નીતિ સંવાદો સહિતના કાર્યક્રમો યોજાશે. બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ, ઉર્જા, સિરામિક, ઓટો, મત્સ્ય ઉધ્યોગ, ટેક્સટાઇલ્સ અને પ્રવાસન, ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં રહેલી તકો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ, કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, આર્ટિઝન્સ દ્વારા તેમની કલા પ્રદર્શન, ઉદ્યમી મેળા સહિતનું આયોજન કરવામાં આવેલુ છે.

