'મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસની નિકાસ થાય છે', ઈન્દ્રનિલ રાજગુરુના ભાજપ-VHP પર આકરા પ્રહાર

રાજકોટમાં રાવણ દહન કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા ધર્મેન્દ્ર ભાવાણીના નિવેદન બાદ શહેરનું રાજકારણ ગરમાયું છે. આ નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઈન્દ્રનિલ રાજગુરુએ મેદાનમાં ઉતરીને ભાજપ અને VHP પર આકરા પ્રહારો કર્યા છે.
'નકલી હિંદુ નેતાઓ' ગણાવ્યા
કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજગુરુએ VHP નેતાના નિવેદનને વખોડી કાઢતા કહ્યું કે, "નકલી હિન્દુ નેતા" જ હિન્દુઓ માટે આવા નિવેદનો કરી શકે. રાજગુરુએ VHPને ભાજપની 'બી ટીમ' ગણાવી અને આક્ષેપ કર્યો કે આ લોકો માત્ર ઉઘરાણાં કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે આ સંગઠન પર સીધો પ્રહાર કરતા કહ્યું, "શું આ ટીમ મોદીને ખાન કહેશે? આ એક ગુંડા ટોળકી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ આવા લોકોને પ્રોત્સાહન આપે છે.
ગૌમાંસની નિકાસ પર નિશાન
ઈન્દ્રનિલ રાજગુરુએ VHP અને તેના જેવા સંગઠનો દ્વારા કરવામાં આવતા ગાયોના નામે ઉઘરાણાં પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે આ ટોળકી ગાયોના નામે ઉઘરાણા કરે છે, જ્યારે બીજી તરફ મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસની નિકાસ થાય છે.
રાજગુરુએ દાવો કર્યો કે જ્યારે પણ આ ટોળકીને તકલીફ પડે છે, અથવા જ્યારે તેમની સામે સવાલો ઉઠે છે, ત્યારે તેઓ આવી નિવેદનબાજી કરે છે. તેમણે કહ્યું કે, "આ ટોળકીને મેં ખુલ્લી પાડીને નબળી પુરવાર કરી છે."

