Rajkot: રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટનો બીજો દિવસ; માર્કેટિંગ યાર્ડથી મારવાડી કોલેજ સુધી 1.5 કિલોમીટર લાંબો જામ, ઉદ્યોગપતિઓ કલાકો સુધી ફસાયા
સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજકોટમાં આયોજિત બે દિવસીય 'રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટ'નો આજે બીજો દિવસ છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારના દિગ્ગજ મંત્રીઓ અને દેશ-વિદેશના રોકાણકારોની ઉપસ્થિતિથી સમિટ ગાજી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી અને કુવ્યવસ્થા સામે આવી છે. મોરબી હાઈવે પર સર્જાયેલા કિલોમીટરો લાંબા ટ્રાફિક જામમાં અનેક ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ કલાકો સુધી ફસાયા હતા.
સમિટમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ અને ઉદ્યોગકારો રાજકોટ પહોંચ્યા છે. મોરબી અને કચ્છ તરફથી આવતા ભારે ટ્રાફિક અને સમિટના કારણે વધી ગયેલી અવરજવરને સંભાળવામાં રાજકોટ ટ્રાફિક પોલીસ સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. માર્કેટિંગ યાર્ડથી લઈને મારવાડી કોલેજ સુધી અંદાજે 1.5 કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. મહત્વના ઈન્વેસ્ટરો અને ઉચ્ચ અધિકારીઓ પણ આ ટ્રાફિકમાં ફસાતા સમિટના આયોજન પર સવાલો ઉઠ્યા છે.
સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ ઉપસ્થિત રહેશે. તેમની સાથે રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, કૌશિક પટેલ, સ્વરૂપજી ઠાકોર અને જયરામ ગામીત પણ વિવિધ સેશન્સમાં હાજરી આપશે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કરી સૌરાષ્ટ્ર-કચ્છને ભારતના વિકાસનું 'એન્કર' ગણાવ્યું હતું. આજે દિવસના અંતે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ એક પત્રકાર પરિષદ યોજશે.

