Rajkot: રોકાણના નામે રૂ. 10 કરોડની ઠગાઈ, પોલીસની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ
રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 'રીસેટ વેલ્થ' નામની કંપની દ્વારા આચરવામાં આવેલા મસમોટા રોકાણ કૌભાંડમાં પોલીસની ઢીલી કામગીરી સામે ભોગ બનનારાઓએ સવાલ ઉઠાવ્યા છે. આ કૌભાંડમાં માત્ર રાજકોટ શહેરના જ 75 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 40 લોકોએ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
કંપનીના સંચાલકોએ ભોગ બનનાર રોકાણકારોને લલચાવવા માટે દર મહિને 5 થી 7 ટકા જેટલું વળતર આપવાની ખાતરી આપી હતી. શરૂઆતના થોડા સમય સુધી વળતર ચૂકવી રોકાણકારોનો વિશ્વાસ જીત્યા બાદ સંચાલકોએ વળતર આપવાનું બંધ કરી દીધું હતું અને મુડી પણ પરત આપી નહોતી. પ્રાથમિક અંદાજ મુજબ, રાજકોટવાસીઓ સાથે અંદાજે રૂ. 10 કરોડની ઠગાઈ થઈ છે.
માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે 5 મહિના પહેલા ફરિયાદ નોંધાઈ હોવા છતાં, આજદિન સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ કૌભાંડમાં સંજય માંગરોલીયા, રેખા માંગરોલીયા, કોમલ માંગરોલિયા, સુરજ પારસી, મકવાણા હિતેશ, હરપાલસિંહ ઝાલા, અનિલ વીરાણી, રાઘવ કાછડીયા સહિતાના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

