Rajkot news: આધેડની હત્યા મામલે પોલીસનો નવો ખુલાસો, નશાખોર પિતાની પુત્રએ જ કરી હત્યા

રાજકોટમાં ગત રોજ આધેડની હત્યમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ કોઠારીયા રોડ પરનાં હુડકો કવાર્ટર નંબર ડી-૬૯માં રહેતા નરેશભાઈ નટવરલાલ વ્યાસ (ઉ.વ.૫૬) મોજા, કટલેરીની ફેરી કરતા હતાં. તેને સંતાનમાં બે પુત્ર હર્ષ (ઉ.વ.૨૨) અને પાર્થ (ઉ.વ.૨૦) છે. નરેશભાઈને છેલ્લા ઘણા સમયથી દારૂ પીવાની કુટેવ હતી.જેને કારણે કામધંધો પણ સરખી રીતે કરતા નહીં. બન્ને પુત્રો પણ કોઈ કામધંધો કરતા નહી. આ સ્થિતિમાં તેની પત્ની સ્મિતાબેન ઈમિટેશન વગેરેનું નાનુ મોટું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતાં.
બન્ને પુત્રો પણ કોઈ કામધંધો કરતા નહી
નશાને કારણે ભાન ભૂલી જતાં પરિવારનાં સભ્યો સામે છરી ઉગામી ડરાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આધેડની પત્નીને અંગુઠા પાસે છરી વાગી ગઈ હતી, જેને કારણે તેને લોહી નીકળવા લાગ્યું હતું. આ દ્રશ્ય પુત્ર હર્ષથી સહન નહી થતા તેણે પિતા નરેશભાઈ પાસેથી છરી આંચકી લઈ તેના બે ઘા છાતીમાં અને ડાબા હાથમાં ઝીંકી દેતા ત્યાં તરફડીયા મારી દમ તોડી દીધો હતો. જાણ થતાં ભક્તિનગર પોલીસ ઉપરાંત એસીપી, ડીસીપી સહિતનાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.
ભોગ બનનારના બહેન વર્ષાબેન પંડયા (ઉ.વ.૫૫, રહે, દ્વારકેશ સોસાયટી, રેલનગર)ની ફરિયાદ પરથી તેની ભાભી સ્મિતાબેન અને ભત્રીજા હર્ષ સામે ખુનનો ગુનો નોંધ્યો હતો. પોલીસને સ્મિતાબેનની પણ સંડોવણી હોવાની માહિતી મળતા તેના વિરૂધ્ધ પણ ગુનો નોંધ્યો હતો, પરંતુ દિવસભરની તપાસનાં અંતે તેના વિરૂધ્ધના કોઈ પુરાવા નહી મળતા પોલીસે અટકાયત કરી ન હતી. હાલ માત્ર હર્ષની અટકાયત કરી પોલીસે તપાસ જારી રાખી છે. જો આગળ જતા સ્મિતાબેન વિરૂધ્ધના પુરાવા મળશે તો તેની પણ અટકાયત કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

