VIDEO: રાજકોટ ગૌચર જમીન કૌભાંડ: કલેક્ટરે અગાઉનો હુકમ રદ કરતાં ભાજપ આગેવાનોમાં ફફડાટ
રાજકોટ જિલ્લામાં ગૌચર અને સરકારી જમીન પર થયેલા દબાણનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. લોધિકા તાલુકામાં જિલ્લા ભાજપના કેટલાક આગેવાનો દ્વારા ગૌચર જમીન પર દબાણ અને પ્લોટિંગ કરીને વેચાણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે મહત્વનો નિર્ણય લેતા DILR દ્વારા અગાઉ કરવામાં આવેલ હુકમ રદ કર્યો છે. કલેક્ટરના આ નિર્ણય બાદ જિલ્લા ભાજપના કેટલાક આગેવાનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી મુજબ અંદાજે 37 વિઘા સરકારી અને ગૌચર જમીનમાં કૌભાંડ આચરી માપણી શીટ બેસાડવામાં આવી હતી. આ મામલે જિલ્લા ભાજપના આગેવાન મુકેશ તોગડિયા, લોધિકા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ કામાણી, કમલેશ વરૂ અને અજય બાલધાના નામ સામે આવ્યા છે. સમગ્ર પ્રકરણ ગ્રામ પંચાયત દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. હવે સરકારી જમીન પર દબાણના મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ મોટી વહીવટી અને કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

