Rajkot: ગેરકાયદે વ્યાજખોરી કરીને 5 કરોડની જમીન પચાવી પાડનાર આરોપીને પોલીસે ઝડપ્યો

રાજકોટ જિલ્લા પોલીસે વ્યાજખોરોના ત્રાસમાંથી એક પીડિત વ્યક્તિની જિંદગી બચાવીને ઉદાહરણરૂપ કામગીરી કરી છે. એટલું જ નહીં, પોલીસે ગેરકાયદે વ્યાજખોરી કરીને 5 કરોડની જમીન પચાવી પાડનાર મુખ્ય આરોપીને પણ ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.
એસપી વિજયસિંહ ગુર્જરને સરકારી નંબર પર ઉદયભાઈ શાહ નામના વ્યક્તિનો મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે, હું વ્યાજખોરોથી પીડિત છું અને હું આત્મહત્યા કરીશ, હાલ સુરત છું. એસપી વિજયસિંહ ગુર્જરે તેની ટીમ સાથે કોર્ડીનેટ કરી લોકેશન શોધી ઉદય શાહ નામના વ્યક્તિને તેમના ઘરે ઉપલેટાના ભાયાવદર મોકલવામાં આવ્યા હતા.
વ્યાજખોર આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમા પાસેથી ફરિયાદી એ રૂપિયા 2 લાખ 10% વ્યાજે લીધા હતા. આજદિવસ સુધી 2 લાખના રૂપિયા 5 ,80,000 ચૂકવી દીધા હોવા છતાં સતત ધમકીઓ આપતો હતો. ઉપરાંત આરોપીએ ફરિયાદીની 18 વીઘા જમીન પચાવી પાડી ત્યાં પોતાનું બોર્ડ પણ મારી દીધું હતું. એ જમનીની કિંમત 5 કરોડ રુપિયા છે. આરોપી વિશ્વરાજસિંહે હથિયાર બતાવીને ધમકીઓ પણ આપી હતી. નોંધનીય છે કે, આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમા પર અગાઉ 3 ગુના દાખલ થયેલા હતા.

