વીરપુર જઇને સ્વામીએ માફી માંગવી જોઇએ, સ્વામી જ્ઞાનપ્રકાશની ટિપ્પણી પર પરિમલ નથવાણીની પ્રતિક્રિયા

વીરપુરના પૂ. જલારામ બાપા વિષે મનઘડત વાતો ઉભી કરીને જ્ઞાાનપ્રકાશ સ્વામીએ કરેલા ઉચ્ચારણો સામે સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી છે અને આજે પણ આ મુદ્દે રોષ ઠલવાઈ રહ્યો છે અને આ સ્વામીએ આ ઉચ્ચારણો બદલ માફી માંગી છે. હવે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
પરિમલ નથવાણીએ શું કહ્યું?
પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, "સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ અને પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ."
શું છે ઘટના?
વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો હતો. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારૂ એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'
જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી છે.

