રાજકોટમાં માતાએ દિકરાના આપઘાતનો બદલો લેવા પુત્રવધૂના ભાઈની કરી હત્યા, ત્રણની ધરપકડ

રાજકોટમાં હત્યા કરાયેલ મૃતદેહ મળવા પાછળ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં એક માતાએ તેના પુત્રના આપઘાતનો બદલો લેવા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાના દિકરાના આપઘાતના પાછળ દિકરાની વહુ જવાબદાર હોઈ માતાએ પુત્રવધુના ભાઈની હત્યા કર્યાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
રાજકોટ જિલ્લાના સરધાર ગામ પાસેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગોંડલના મોવૈયા ગામે રહેતા સોનલબેન સોહેલિયાએ પોતાના દિકરાની આત્મહત્યાનો બદલો લેવા પુત્ર વધુના ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સોનલબેનના પુત્ર નરેશના આપઘાતની પાછળ પુત્રવધૂ જવાબદાર હોવાનો તેમણે દાવો કર્યો હતો. સોનલબેનના દીકરાએ તેની પત્ની રિસામણે જતા દોઢ મહિના અગાઉ આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ: TRP કાંડની અવગણના કરી મનપા બનાવી રહી છે બીજો ગેમ ઝોન
જેથી સોનલબેને પણ પુત્રવધૂના એકના એક ભાઈની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધું હતુ. આખરે શનિવારે મોકો મળતા સરધાર પાસે સર ગામની સીમમાં ગિરીશ રાઠોડની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. હત્યા કરતા પહેલા સોનલબેન દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને ધમકી પણ આપી હતી જેમાં તેમણે ધમકી આપતા કહ્યું હતું કે, મારા પુત્રના આપઘાત પાછળ જયશ્રી જવાબદાર છે. મારો પુત્ર ગયો હવે તારા દીકરો પણ જશે.
હત્યાનો ભેદ ઉકેલી આ સમગ્ર મામલે આજીડેમ પોલીસે મહિલા સોનલબેન સોહેલિયા અને તેમને મદદ કરનાર બે સગીર સહિત ત્રણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

