રાજકોટ: TRP કાંડની અવગણના કરી મનપા બનાવી રહી છે બીજો ગેમ ઝોન

રાજકોટ મહાનગર પાલિકાએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. TRP ગેમ ઝોન અગ્નિકાન્ડમાં 27 નિર્દોષોના જીવ ગયા હતા તેમ છતાં મનપા બનાવી રહી છે ગેમ ઝોન. રાજકોટના કાલાવડ રોડ ઓવરબ્રિજ નીચે મનપા દ્વારા ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે. ઓવરબ્રિજ નીચે ચાર બ્લોકમાં ગેમ ઝોન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : શિક્ષણ વિભાગની વધુ એક બેદરકારી: રાજકોટમાં 120 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે માતાજીના મઢમાં
અહીં આ વિસ્તારમાં પાંચ જેટલી સ્કૂલ અને એક કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેને કારણે હજારો વિદ્યાર્થીઓ દરરોજ અહીંથી અવર જવર કરે છે. એવામાં વિદ્યાર્થીઓ સાથે રોડ ક્રોસ કરતી વેળાએ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ ઉઠાવશે? આ સાથે રાજકોટમાં એક તરફ પાર્કિગની અવ્યવસ્થા પણ જોવા મળે છે તેથી જો ગેમ ઝોન બનશે તો લોકો પાર્કિંગ ક્યાં કરશે તે પણ એક પ્રશ્ન છે.
બીજી તરફ રફતારના રાજકુમાર આ સ્થળે જો કોઈને અકસ્માત સર્જશે તો તેના માટે પણ જવાબદાર કોણ ? સ્થાનિકોએ GSTV સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. તેમજ સ્થાનિકોએ કહ્યું કે ભગવાન મનપાને સદ્બુદ્ધિ આપે કેમકે TRP ગેમ ઝોનના કાંડને હજુ એક વર્ષ પણ પુરૂ નથી થયું તેમજ તેમાં 27 નિર્દોષોના જીવ ગયા હતા તેમ છતાં મનપા ગેમ ઝોન બનાવવા જઈ રહી છે.

