શિક્ષણ વિભાગની વધુ એક બેદરકારી: રાજકોટમાં 120 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે માતાજીના મઢમાં

શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થયા છે. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા 120 જેટલા વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમય હાલતમાં જોવા મળી રહ્યું છે. રાજકોટમાં નાના ભુલકા વિદ્યાર્થીઓને માતાજીના મઢમાં ભણવાનો વારો આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના કુંદણી ગામમાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. સરપંચ દ્વારા શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી તેનો નિવેડો નથી આવ્યો. જસદણ તાલુકાના કુંડળી ગામની પ્રાથમિક શાળામાં અમુક ઓરડા ડેમેજ છે જેને લઇને 120 જેટલા વિદ્યાર્થીઓને માતાજીના મઢમાં ભણાવવામાં આવે છે. ઘણા સમયથી વિદ્યાર્થીઓને વાવડીયા પરિવારના માતાજીના મઢમાં ભણાવવામાં આવે છે ત્યારે ગામ લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવતી હોય છે કે નવી શાળા બનાવો.
આ પણ વાંચો : રાજકોટમાં ભાડાના મકાનમાં ચાલતી જર્જરિત શાળામાં ભણવા મજબૂર નાના ભુલકાઓ
આ ડેમેજ નિશાળમાં છોકરાને કઈ રીતે ભણાવવા તેનો વાલીઓને ડર લાગતો હોય છે. સરપંચ જણાવી રહ્યા છે કે, અનેકવાર રજૂઆત કરી છે પણ હજી સુધી કંઈ થયું નથી. ગામ લોકોની એક જ માંગ છે કે જલ્દી સરકાર દ્વારા નવી શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવે જેથી કરીને અમારા બાળકો સ્વચ્છતા અને સારી સ્કૂલમાં ભયમુક્ત રીતે અભ્યાસ કરી શકે. તેમજ વધુમાં જણાવતા કહ્યું કે ટૂંક સમયમાં જ આ બિલ્ડીંગનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે.

