સંબંધો લાજ્યા: Rajkot માં સગીર પુત્ર અને પુત્રી જ નીકળ્યા પિતાના હત્યારા, ઝાડ સાથે બાંધીને કરી હતી હત્યા

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સણોસરા ગામે થયેલી હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ મામલે એસીપી બી.વી. જાધવે નિવેદન આપ્યું છે કે હત્યાના આરોપી બીજું કોઈ નહીં પણ મૃતકના સગીર પુત્ર અને પુત્રી જ નીકળ્યા હતા, જેમણે કંટાળીને પોતાના પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા.
ઘટનાની વિગત મુજબ, મૃતક સુમાભાઈ મેડા માનસિક બીમારીથી પીડિત હતા અને અવારનવાર ઘરમાં ભાગમભાગ કરતા હતા. તેમના આ વર્તનથી કંટાળીને પુત્રી અને સગીર પુત્રએ આ ભયંકર કૃત્યને અંજામ આપ્યો હતો. તેમણે સુમાભાઈને એક વૃક્ષ સાથે બાંધીને માર માર્યો હતો, જેના કારણે માનસિક બીમારીથી પીડાતા સુમાભાઈ મેડાનું મૃત્યુ થયું હતું.
પોલીસે આ સમગ્ર મામલે મૃતકના કાકા બકુલભાઈની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ પુત્રી અને સગીર પુત્રની ધરપકડ કરી લીધી હતી.
એસીપી બી.વી. જાધવે જણાવ્યું કે, બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેમને જેલ હવાલે કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સંતાનો દ્વારા જ પિતાની હત્યાની આ ઘટનાથી સણોસરા ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

