Rajkot/ જસદણના શિવરાજપુરમાં આધેડની કરપીણ હત્યા, મૃતદેહ સ્વીકારવાનો કોળી સમાજનો ઇનકાર
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કાળી કહ ચોકડી પાસે 20 જેટલા શખ્સોના ટોળાએ અચાનક હુમલો કરી છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા નામના આધેડની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની સંભાવના છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૃતક છગનભાઈ ઝાપડિયા (રહે. ખાંડાધાર હડમતીયા) ને એક દિવસ પહેલા કોઈ સામાન્ય બાબતે અન્ય શખ્સો સાથે ઘર્ષણ થયું હતું. આ ડખ્ખાની અદાવત રાખીને હુમલાખોરોએ શિવરાજપુર નજીક તેમને આંતર્યા હતા. હુમલાખોરોએ છગનભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ આખી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે.
કોળી સમાજનો આક્રોશ: 'તમામ આરોપીઓ પકડાય તો જ મૃતદેહ સ્વીકારીશું'
હત્યાના સમાચાર મળતા જ જસદણ અને વિંછીયા પંથકના કોળી સમાજના આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જસદણ સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. પરિવાર અને સમાજના આગેવાનોએ સ્પષ્ટ માંગ કરી છે કે: હત્યા કરનાર તમામ ૨૦ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ થાય. જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં.
પોલીસ કાર્યવાહી અને તણાવપૂર્ણ સ્થિતિ
જસદણ પોલીસે અત્યાર સુધીમાં 4 થી 5 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. જોકે, હજુ અન્ય આરોપીઓ ફરાર હોવાથી પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી છે. હોસ્પિટલ ખાતે પોલીસ અને આગેવાનો વચ્ચે બંધ બારણે લાંબી ચર્ચા પણ ચાલી હતી, પરંતુ મામલો હજુ ગરમાયેલો છે. કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

