Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Jayesh Radadiya failed to get ticket for Suresh Sakhareliya

જયેશ રાદડિયા કદ પ્રમાણે વેતરાયા કે પાર્ટીની ઉપર પોતાને માનવું ભારે પડ્યું?

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2025
લાઇવ ટીવીGoogle News
જયેશ રાદડિયા કદ પ્રમાણે વેતરાયા કે પાર્ટીની ઉપર પોતાને માનવું ભારે પડ્યું?

અનેક ધમપછાડા છતાં સુરેશ સખરેલીયા  પરિવારને ટિકિટ અપાવવામાં નિષ્ફળ રહ્યાં જયેશ રાદડિયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લાની જસદણ, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, જેતપુર નગરપાલિકાની ચૂંટણી થવાની છે. જેતપુર નગરપાલિકાની વાત કરીએ તો ભાજપે જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને મેન્ડેટ આપ્યું નથી, પણ ભાજપે જેને મેન્ડેટ જાહેર કર્યું છે એવા 42 સભ્યોએ તેમને સમર્થન આપતા જેતપુર ભાજપમાં ભડકો થયો છે. હવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ભાજપના આ 42 ઉમેદવારો પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાના સમર્થનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકે છે. 

App Store

પ્રશાંત કોરાટના કહેવાથી સુરેશ સખરેલીયાની ટિકિટ કપાઈ?

સૌરાષ્ટ્રની રાજનીતિમાં પાટીદાર Vs પાટીદાર ચાલી રહ્યું હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ભલે જયેશ રાદડિયા પ્રશાંત કોરાટનું નામ ન લેતા હોય પરંતુ તેમના નજીકના અને જેના માટે એડીચોટનું જોર જયેશ રાદડિયાએ લગાવ્યું એવા સુરેશ સેખલીયાએ સીધો આક્ષેપ કરી દીધો છે.

સુરેશ સખરેલીયાએ પ્રશાંત કોરાટ પર ગંભીર આક્ષેપ  કરતા કહ્યું કે ધારાસભ્ય જયેશ રાદડિયાનાં જુથનો હોવાથી પ્રદેશ કક્ષાએ વગ વાપરીને યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી છે. આ સાથે સુરેશ સખરેલીયાએ ગંભીર આક્ષેપ કરીને અન્ય 42 ઉમેદવારોના ટેકાથી ભાજપમાં સામુહિક ઉમેદવારીપત્ર પરત ખેંચવા અને રાજીનામા આપી દેવાની ચીમકી આપતા ઉહાપોહ મચી ગયો છે. જો કે, આજે આખ્ખો દિવસ બેઠકનો દોર ચલાવીને ધારાસભ્ય જયેશ રાદડિયાએ મનામણાં કરી ડેમેજ કંટ્રોલ કર્યો હતો.

પ્રદેશ ભાજપે ન ચલાવી રાદડિયાની મનમાની, આખરે હથિયાર હેઠા મુક્યા

ભાજપની સૌરાષ્ટ્રની રાજનીતિ આગામી સમયમાં પવન બદલશે એ સૂચવી રહ્યું છે. કારણ કે નગરપાલિકા ચૂંટણીમાં જે હાલત થઈ છે તેને જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપ હવે આગામી સમયમાં જયેશ રાદડિયાને કદ મુજબ વેતરી શકે છે. પહેલા હાલનો ઘટનાક્રમ અને બાદમાં કેમ રાજનીતિમાં કદ મુજબ વેતરાઈ શકે છે તે પણ સમજીએ.

હાલમાં જયેશ રાદડિયાના ખાસ એના સુરેશ સખરેલીયા અને તેના પરિવારને ટિકિટ મળે તેના માટે જયેશ રાદડિયાએ એડીચોટીનું જોર લગાવી દીધું, તેમ છતાં તેને ટિકિટ મળી નહીં.  મામલો દિલ્હી સુધી પહોંચ્યો તેમ છતાં સુરેશ સખરેલીયાને ટિકિટ મળી નહીં.  

પાર્ટીના સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો એ દિવસે જયેશ રાદડિયાએ આખો દિવસ પ્રયાસ કર્યો તેમ છતાં સુરેશ સખરેલીયાના પરિવારને ટિકિટ અપાવવામાં સફળ ન થયા. પાર્ટીએ સ્પષ્ટ શબ્દમાં રાદડિયાને કહ્યું હતું કે સુરેશ સખરેલીયા કે તેના પરિવારમાંથી કોઈને ટિકિટ નહીં  મળે તેના સિવાય ભાજપના અન્ય કોઈ નેતાને ટિકિટ મળી શકે છે. આનો સીધો મતલબ એ થાય કે જેતપુરના ધણી જયેશ રાદડિયાની મનમાની પ્રદેશ ભાજપે ચાલવા ન દીધી.   છેવટે  ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપ સામે હથિયાર હેઠા મૂકીને ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો અને આજે પોતાના નિવાસ સ્થાન બાદ પટેલ સમાજની વાડી ખાતે અસંતુષ્ટો અને અન્ય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી.  

પ્રદેશ ભાજપે વળતો ઘા કરી ઈફ્કો ચૂંટણીનો બદલો લીધો? 

સ્થિતિ એ જણાઈ રહી છે કે સ્થાનિક સંગઠન દ્વારા જ સુરેશ સખરેલીયા  અને તેના પરિવારને ટિકિટ ન મળે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી. જેતપુર નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી વાયા સખરેલીયા  પરિવાર રાદડિયા વહીવટ કરી રહ્યાં હતાં. હવે સ્થિતિ એ થઈ છે કે પાર્ટીએ સખરેલીયાના નામ પર નનૈયો ભણી દીધો. એટલે સખરેલીયાએ લાફો મારી ગાલ રાખવો પડે એવી સ્થિતિ થઈ ગઈ છે.

બીજી સ્થિતિ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી રાદડિયા નરેશ પટેલ વિરુદ્ધ જાહેરમાં નિવેદનબાજી કરી અને તેના આધારે આડકતરી રીતે નરેશ પટેલ જેને સમર્થન કરે તે તમામને પડકાર ફેંકતા હતા. તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી રાદડિયા પોતાને પાર્ટીથી ઉપર માનવા લાગ્યા હતા તેના પણ ઉદાહરણો છે. ઈફ્કો ચૂંટણી યોજાઈ તેમાં પાર્ટીએ મેંડેટ આપ્યું તેના વિરૂદ્ધ જઈને ચૂંટણીમાં માહોલ ગરમ કરી દીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેની સાથે મુલાકાત માટે ગયા હતા તેમ છતાં મામલો થાળે પડ્યો નહોતો અને અંતે ભાજપની આબરૂનું ધોવાણ થયું. તો આ વખતે ભાજપે વળતો ઘા કર્યો હોય એ રીતે તેમના એકદમ માનીતા અને 15 વર્ષથી જેતપુર નગરપાલિકા પર કબજો જમાવી બેઠેલા સુરેશ સખરેલીયાને મૂળથી હટાવી દીધા અને હવે પરિસ્થિતિ તેના વિરુદ્ધ ઊઠી છે. 

ભાજપે નવા ચહેરાઓને પ્રમોટ કરવા કવાયત હાથ ધરી 

છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા કહો કે પછી સામાજિક કદ જાળવી રાખવા ખુલીને સામે આવ્યા છે ત્યારે અમરેલીમાં કૌશિક પટેલને ટાર્ગેટ કરવામાં ભાજપના જ કેટલાક પાટીદાર નેતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેતપુરમાં પણ એ જ  સ્થિતિ છે એટલે આ સીધો સંકેત છે કે વર્ષોથી સૌરાષ્ટ્રમાં ભાજપમાં લેઉવા પાટીદાર ચહેરા રહેલા નેતાઓને બદલી નવા ચહેરા પ્રમોટ કરવા કવાયત ચાલુ થઈ ગઈ હોવાનું ચર્ચા રહ્યું છે.