જેતપુર નગરપાલિકા ચૂંટણી : પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને ભાજપે ન આપ્યું મેન્ડેટ

Jetpur Municipality Elections 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લાની જસદણ, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, જેતપુર નગરપાલિકાની ચૂંટણી થવાની છે. જેતપુર નગરપાલિકાની વાત કરીએ તો આજે બપોર સુધીમાં જેતપુર નગરપાલિકા માટે 42 ફોર્મ ભરાયા હતાં. પણ હવે જેતપુરમાં ભાજપમાં ભડકો થયો છે.
પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભડકો થયો
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને ભાજપે મેન્ડેટ આપ્યું નથી, પણ ભાજપે જેને મેન્ડેટ જાહેર કર્યું છે એવા 42 સભ્યોએ તેમને સમર્થન આપતા જેતપુર ભાજપમાં ભડકો થયો છે. હેવ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ભાજપના આ 42 ઉમેદવારો પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાના સમર્થનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકે છે.
MLA જયેશ રાદડિયાએ સુરેશ સખરેલીયાના મેન્ડેટ માટે છેલ્લી ઘડીએ પ્રયાસો કર્યા
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને મેન્ડેટ મળે એ માટે MLA જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપ સુધી છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કર્યા હતા, આમ છતાં સુરેશ સખરેલીયાને પ્રદેશ ભાજપથી મેન્ડેટ મળ્યું નથી.
મેન્ડેટ વગર સુરેશ સખરેલીયાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
પ્રદેશ ભાજપે જેતપુર નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં વોર્ડ નંબર 10 તેમજ 11માં ઉમેદવારના નામ જાહેર કર્યા ન હતા. આથી મેન્ડેટ વગર સુરેશ સખરેલીયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ પ્રદેશ ભાજપે સુરેશ સખરેલીયાને મેન્ડેટ ન આપતા 42 ઉમેદવારો તેમના સમર્થનમાં ઉતર્યા છે અને જેતપુર ભાજપમાં ભંગાણ સર્જાઈ શકે છે.

