રાજકોટમાં જયેશ રાદડિયાએ કરાવ્યા 511 દિકરીઓના સમુહ લગ્ન, દિકરીઓને આપ્યા આશિર્વાદ; વિરોધીઓની કાઢી ઝાટકણી

કન્યા કેળવણીના ધામ તરીકે ગુજરાતભરમાં પ્રચલિત કદાવર ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભાજપ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા આગામી આજે 9માં શાહી સમુહ લગ્નોત્સવમાં 511 દિકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવ ’પ્રેમનું પાનેતર’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશાળ સમુહ લગ્નોત્સવના આયોજનમાં દિકરીઓને ભાવી જીવન માટે જયેશ રાદડિયાએ આશિર્વાદ આપ્યા હતા. તેમજ કેટલાક લોકો આ પ્રકારના શુભ સામાજીક પ્રસંગોમાં હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે તેમને પણ જયેશ રાદડિયાએ ઝાટકણી કરી હતી. જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા, કહ્યું- 'હું રાજનીતિનો માણસ છું, મારે લેઉવા પટેલ સમાજનો નેતા નથી થવું'
રાદડિયા પરિવાર સમાજના લોકોનું કામ કરે છે, તો સમાજની 2 ટકા ટપોરી ટોળકીના પેટમાં તેલ રેડાય છે. આવા લોકોને મારો ખુલ્લો પડકાર છે કે, રાજનીતિના મેદાનમાં આવી જાવ. જયેશ રાદડિયાએ જણાવ્યું કે, હું એક રાજકીય માણસ છું, સમય આવ્યે હું રાજનીતિ પણ કરું છું. આજે જેવો આ સમુહલગ્નોત્સવ સમાપ્ત થશે, ત્યારે કાલે સવારથી જ જયેશ રાદડિયાનું રાજકારણ ચાલુ થઈ જશે. આજે આ સમુહલગ્નોત્સવનું કામ મારું સમાજ માટે છે. વિઠ્ઠલભાઈ રાદડિયાના વારસદાર તરીકે મેં સમાજની જવાબદારી નીભાવી છે.
આ પણ વાંચો : ભાજપમાં અસંતોષને કારણે આ નેતાઓ કેસરિયો છોડી કોંગ્રેસમાં જોડાયા
જો કે સમાજની બે ટકા ટપોરી ગેંગ જ્યાં સારું થતું હોય, ત્યાં હવનમાં હાડકા નાંખવાનું કામ કરી રહી છે. ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર સમાજનું સારું કામ હોય, તો આ ટપોરી ગેંગ ખરાબ કોમેન્ટ કરીને લેઉવા સમાજને કેદ કરવાનું કામ કરી રહી છે. આ ટપોરી ટોળકી સમાજના નામે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો સમાજનું સારું કામ કરતા હોય, તેમને બદનામ કરવાના પ્રયત્નો કરે છે.
જયેશ રાદડિયા અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કૉમેન્ટો કરવામાં આવે છે. આપણા જ સમાજના લોકો જેઓ રાજનીતિમાં નથી, પરંતુ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકોને સમાજે જવાબ આપવો પડે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા નથી થવું. હું મારા સમાજનું કામ કરી રહ્યો છું. મારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી.
વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું કે, વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મને જે જવાબદારી સોંપી છે, તે હું નિભાવું છે. જેના કારણે કદાચ આવી ટોળકી મારી સામે પડશે, તો પણ હું સમાજની કામગીરીમાં પીછેહઠ નહીં કરું. જયેશ રાદડિયા સારું કામ કરે, આટલા ભવ્ય સમુહલગ્નનું આયોજન કરે અને જંગી જનમેદની એકઠી થાય, તો કેટલાયના પેટમાં તેલ રેડાય છે. જે લોકો રાજનીતિમાં નથી તેઓ જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો તેના ચોકઠા ગોઠવી રહ્યા છે. આવા લોકોને ઓળખવાની જવાબદારી આપણા સમાજની છે. આવા લોકોને મારો ખુલ્લો પડકાર છે કે, રાજનીતિના મેદાનમાં આવી જાવ. કેટલાક લોકો બે દિવસ પેહલા જ વિચારતા હતા કે જયેશ રાદડિયાનું તીર આવશે. મેં કીધુ ખમો મારું તીર આવશે જ બરાબર નિશાન પર આવશે. હવે પછી બે વર્ષ બાદ ફરી ધામધુમથી સમૂહ લગ્ન કરવામાં આવશે.

