VIDEO: શ્રાવણ માસમાં મુસ્લિમ યુવક છેલ્લા ૩૫ વર્ષથી ઈશ્વરિયા મહાદેવના દર્શને જાય છે
મહાદેવનો અતિ પ્રિય માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના શિવાલયોમાં હર હર મહાદેવની ગુંજ ઊઠી રહી છે.તો બીજી તરફ શ્રાવણના પવિત્ર પ્રારંભે રાજકોટમાં કોમી એકતાની અનોખી મિસાલ જોવા મળી છે. જગન્નાથ વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન અહેસાન ચૌહાણ છેલ્લા ૩૫ વર્ષથી નિયમિતપણે ચાલીને ઈશ્વરિયા મહાદેવના દર્શન કરવા જાય છે. અકસ્માતમાં પગમાં ૪૫ ટાંકા આવ્યા હોવા છતાં અહેસાનભાઈએ શ્રદ્ધા અને સેવા યાત્રા અટકાવી નથી. એટલું જ નહીં, છેલ્લા ૨૨ વર્ષથી તેઓ મંદબુદ્ધિ, વૃદ્ધ, દિવ્યાંગ, ભિક્ષુક અને જરૂરિયાતમંદ લોકોને સોમનાથની પદયાત્રા કરાવે છે. તેમની કોમી એકતા અને માનવતાની સેવાને લઈ અગાઉ કલેક્ટર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. અહેસાનભાઈનો સંદેશ છે કે ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા સૌની એક છે અને હિન્દુ-મુસ્લિમ સૌએ પ્રેમથી સાથે રહેવું જોઈએ.

