VIDEO: રાજકોટમાં ખાખી વર્દી પર ખુલ્લેઆમ દાદાગીરી: "માથા વાઢી નાખીશ" કહી પોલીસને આપી ધમકી!
રાજકોટના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ટી-પોઇન્ટ નજીક ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન દસ્તાવેજો માંગતા વાહનચાલકે પોલીસ અને TRB જવાન સાથે ઉગ્ર દાદાગીરી કરી મારામારી કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ડબલ સવારી બાઇક રોકતાં જ આરોપી પ્રવિણ મુછડીયા અને તેની સાથેના શખ્સે અનેક પોલીસના માથા વાઢ્યા છે અને તમારા પણ વાઢી નાખીશ તેવી ખુલ્લેઆમ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સે TRB જવાન દિપક રાઠોડને સરાજાહેર લાફો મારી દીધો હતો અને ફરજ પરના પોલીસ કર્મચારી પર પથ્થર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાખી વર્દી પર હુમલાની આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર રાજકોટ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીગ્રામ પોલીસે બંને હુમલાખોરો વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ અને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

