Rajkot/ ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ ઝડપાયું: 123 ફીરકી જપ્ત

ઉત્તરાયણના તહેવાર નજીક આવતાની સાથે જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે, રાજકોટ પોલીસે સઘન કાર્યવાહી કરીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા બે વેપારીઓને ઝડપી પાડ્યા છે અને મોટી માત્રામાં દોરીનો જથ્થો કબજે કર્યો છે.
મોચી બજાર અને સદર બજારમાં દરોડા
પોલીસે શહેરના શહેરના મોચી બજાર અને સદર બજાર વિસ્તારમાં દરોડા પાડીને આ ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સદર બજારમાં આવેલી શિવશક્તિ સિઝન સ્ટોર અને એક રહેણાંક મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે કુલ 123 ફીરકી ચાઇનીઝ દોરી કબજે કરી હતી.
વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
ચાઇનીઝ દોરી જીવલેણ સાબિત થતી હોવાથી તેના વેચાણ પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, અંગત ફાયદા માટે આ દોરીનું વેચાણ કરતા બંને વેપારીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તેમની અટકાયત કરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે કે આ વેપારીઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કોઈ વેપારીઓ આ નેટવર્કમાં સંકળાયેલા છે કે કેમ.

