Rajkot: મેયરના પતિનું 'શ્રીસરકાર' જમીન પર ગેરકાયદે બાંધકામ; એ જમીન 1997માં ખાલાસા થઈ ગઈ છે

રાજકોટના મેયરના પતિ વિનોદભાઈ પેઢડિયા હાલ ગંભીર વિવાદોના ઘેરામાં આવ્યા છે. સંત કબીર રોડ પર આવેલી નંદુબાગ સોસાયટીમાં તેમના દ્વારા કરવામાં આવેલું બાંધકામ કાયદાકીય ગૂંચવણમાં ફસાયું છે. આ બાંધકામ જે જમીન પર કરવામાં આવ્યું છે તે 'સૂચિત' ગણાતી જગ્યા 'શ્રીસરકાર' (સરકારી હસ્તક) જાહેર થઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાના પતિ વિનોદ પેઢડિયા દ્વારા બે માળનું કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું હતું.ચોંકાવનારી બાબત એ છે કે, આ વિસ્તાર શ્રીસરકાર છે. આ મામલે રાજકોટ મહાનગરપાલિકાની ટીપી (ટાઉન પ્લાનિંગ) શાખા દ્વારા આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે વિનોદ પેઢડિયાને નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક અસરથી બાંધકામ અટકાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર નંદુબાગ સોસાયટી વર્ષ 1997માં જ ખાલાસા થઈ ગઈ હતી, તેમ છતાં ત્યાં મોટા પાયે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. આક્ષેપ છે કે મેયરના પતિ વિનોદભાઈ અગાઉ પણ આ જમીન બાબતે કોર્ટમાં કેસ હારી ચૂક્યા છે. વર્ષ 2013માં જ નંદુબાગ સોસાયટીના આ બાંધકામો ગેરકાયદે હોવાનું સાબિત થઈ ચૂક્યું હતું.

