Rajkot: પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો રાજકારણમાં પુન:પ્રવેશ, સંગઠનમાં એક્ટિવ થતા સમર્થકો ખુશખુશાલ

રાજકોટ શહેરના ભાજપ રાજકારણમાં મોટા ફેરફારના સંકેતો સાથે પૂર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી અરવિંદ રૈયાણીની સક્રિય રાજકારણમાં પુન: પ્રવેશ થયો છે. લાંબા સમયથી શહેર ભાજપની રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહેલા રૈયાણીએ તાજેતરમાં સક્રિયતાની શરૂઆત કરી છે. આ પગલું રાજકોટ મનપાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલાં પક્ષના આદેશ બાદ લેવાયું છે.
અરવિંદ રૈયાણીના સમર્થકોમાં તેમની રી-એન્ટ્રીથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સમર્થકોએ "સંગઠન થી શક્તિ - શક્તિ થી સેવા"ના મંત્ર સાથે પોસ્ટ્સ શરૂ કરી છે, જે રૈયાણીના સંગઠનાત્મક કૌશલ્ય અને સેવાભાવને રેખાંકિત કરે છે. આ મંત્ર ભાજપના મૂળ સિદ્ધાંતો સાથે જોડાયેલો છે, જે સંગઠનની શક્તિ દ્વારા લોકોની સેવા કરવાનો સંદેશ આપે છે.
અરવિંદ રૈયાણી, જેઓ રાજકોટ પૂર્વના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે, તેઓ બે વર્ષથી રાજકીય હાંસિયામાં હતા.

