દિવાળી પૂર્વે Rajkot માં ફૂડ વિભાગના દરોડા: 350 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો, વેપારીને નોટિસ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ અને અયોગ્ય વેચાણ અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન ડ્રાયફ્રૂટ ખરીદતા ગ્રાહકોને ચેતવણી આપતો એક મોટો જથ્થો ઝડપાયો છે.
મનપાના ફૂડ વિભાગે ડ્રાયફ્રૂટનું પ્રોસેસિંગ કરતી પેઢીઓમાં દરોડા પાડ્યા હતા. રવિ રત્ન પાર્ક નજીક આવેલી 'ગોકુલ પેઢી'માં ચેકિંગ દરમિયાન અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ પેઢીમાંથી 350 કિલોગ્રામ સડેલી બદામનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે માનવ વપરાશ માટે સદંતર અયોગ્ય હતો.
આરોગ્ય વિભાગે સડેલી બદામના આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો, જેથી તે બજારમાં વેચાઈ ન શકે.
વધુમાં, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પેઢી ઉત્પાદક (Manufacture) લાઇસન્સ વિના ડ્રાયફ્રૂટનું વેચાણ અને પ્રોસેસિંગ કરી રહી હતી. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI)ના નિયમોના ઉલ્લંઘન બદલ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પેઢીના સંચાલકને નોટિસ ફટકારવામાં આવી છે.

