Rajkot: મોટા ગુંદાળા પાસે કાર અકસ્માતમાં દંપતી પૈકી પત્નીનું મોત, પતિની હાલત ગંભીર
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર રોડની સાઈડમાં ખાબકતા કારમાં સવાર દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનાના CCTVપણ સામે આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, શુભમભાઈ કાપડિયા અને તેમના પત્ની મિતાલીબેન કારમાં જઈ રહ્યા હતા ત્યારે મોટા ગુંદાળા ગામ નજીક તેમની કાર રોડની સાઈડમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં મિતાલીબેન કાપડિયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ શુભમભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ધોરાજીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકના મૃતદેહને પીએમ અર્થે ધોરાજી ખસેડવામાં આવ્યો છે. આ સંગ્ર મામલે જેતપુર તાલુકા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

