VIDEO : Patanમાં નગરપાલિકાની ચૂંટણી માટે તંત્રની તડામાર તૈયારીઓ
પાટણ જિલ્લાની પાટણ, સિદ્ધપુર અને રાધનપુર (પેટા) નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના 21 વોર્ડની 81 બેઠકો માટે કુલ 147 મતદાન મથકો નિર્ધારિત કરાયા છે. કુલ 1,53,159 મતદારો નોંધાયા છે, જેમાં પાટણ પાલિકા 1.08 લાખ મતદારો સાથે સૌથી મોખરે છે. તંત્ર દ્વારા પારદર્શક મતદાન માટે અંતિમ મતદાર યાદી જાહેર કરી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આવતીકાલે યોજાનારા આ મતદાનને લઈ રાજકીય માહોલ ગરમાયો છે.
પાટણ જિલ્લામાં આવેલી પાટણ, સિદ્ધપુર અને રાધનપુર (પેટા) નગરપાલિકાઓની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. આ અનુસંધાને તંત્ર દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વોર્ડવાર બેઠકો, મતદાન મથકો તેમજ મતદારોની વિગત સુલભ બનાવવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારૂ રીતે પૂર્ણ થઈ શકે.
જિલ્લામાં કુલ ૦૩ નગરપાલિકાઓમાં મળીને ૨૧ વોર્ડ, ૮૧ બેઠકો અને ૧૪૭ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૧,૫૩,૧૫૯ મતદારો નોંધાયેલા છે, જેમાં ૭૯,૭૪૮ પુરુષ, ૭૩,૪૦૦ સ્ત્રી તથા ૧૧ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં કુલ ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. અહીં ૧૦૧ મતદાન મથકો પર મતદાન યોજાશે. કુલ ૧,૦૮,૯૯૯ મતદારો નોંધાયેલા છે, જેમાં ૫૬,૫૩૧ પુરુષ, ૫૨,૪૫૮ સ્ત્રી અને ૧૦ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં પાટણ નગરપાલિકા સૌથી વધુ મતદારો ધરાવતી નગરપાલિકા તરીકે નોંધાય છે.
સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં કુલ ૦૯ વોર્ડ અને ૩૬ બેઠકો માટે ચૂંટણી યોજાશે. અહીં ૪૨ મતદાન મથકો પર મતદાન યોજાશે. કુલ ૪૦,૩૭૧ મતદારો નોંધાયેલા છે, જેમાં ૨૧,૨૪૬ પુરુષ અને ૧૯,૧૨૫ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.
રાધનપુર (પેટા) નગરપાલિકામાં કુલ ૦૧ વોર્ડ અને ૦૧ બેઠક માટે ચૂંટણી યોજાશે. અહીં ૦૪ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. કુલ ૩,૭૮૯ મતદારો નોંધાયેલા છે, જેમાં ૧,૯૭૧ પુરુષ, ૧,૮૧૭ સ્ત્રી અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે.

