VIDEO: પાટણના જગન્નાથ મંદિરે મંત્રોચ્ચાર વચ્ચે નેત્રોત્સવ વિધિ સંપન્ન, ભક્તોએ ભગવાનની અમીદ્રષ્ટિ મેળવી ધન્યતા અનુભવી!
પાટણના ઐતિહાસિક જગન્નાથજી મંદિર પરિસર ખાતે ૧૬ જુલાઈના રોજ નીકળનારી ૧૪૪મી ભવ્ય રથયાત્રા પૂર્વે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે નેત્રોત્સવ વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. મોસાળથી પરત ફરેલા ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના ચક્ષુ પર ૧૪ દિવસથી બાંધેલા રેશમી પાટા ખોલીને વિવિધ પવિત્ર દ્રવ્યો વડે મહાઅભિષેક કરાયો હતો. આ પવિત્ર પ્રસંગે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને શ્રદ્ધાળુઓએ વિધિવત પૂજન-અર્ચન કરી ભગવાનની અમીદ્રષ્ટિ મેળવી ધન્યતા અનુભવી હતી. નેત્રોત્સવ વિધિ બાદ મહાઆરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી વિશ્વ શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી. અંતમાં મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યે આગામી ધાર્મિક કાર્યક્રમોની વિગતો આપી તમામ ધર્મપ્રેમી જનતાને રથયાત્રા મહોત્સવમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.

