પાટણઃ 1.20 લાખમાં બાળકનો સોદો, ખરીદનારે 51 રૂપિયા ટોકન આપ્યું, પછી આ રીતે ફુટ્યો ભાંડો!
Patan child selling scam: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોરડા ગામમાંથી ઝડપાયેલા નકલી તબીબનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. બોગસ તબીબની તપાસમાં સંખ્યાબંધ ખુલાસાઓ થયા છે. આ નકલી તબીબ નવજાત શિશુઓને નિઃસંતાન દંપતીને વેચતો હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જી હાં, સુનિયોજિત કાવતરા મારફતે એક સોદાના રૂપિયા 1.20 લાખ લેવાતા હોવાનું સામે આવ્યું છે. નવજાત બાળકોનો સોદો પાડીને રૂપિયા રળી લેવાનું કારસ્તાન સાંભળીને આ વિસ્તારના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. ત્યારે આ મામલે પાટણની એસ.ઓ.જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો.
બેરોકટોક ચલાવતો હતો ICU બેડ સાથે હોસ્પિટલ
જાણવા તો એ પણ મળી રહ્યું છે કે, આ શખ્સ તબીબની કોઈપણ લાયકાત વગર બેરોકટોક ICU બેડ સાથે હોસ્પિટલ ચલાવતો હતો. દર્દીઓની જિંદગીની પરવા કર્યા વગર એલોપેથિક દવાઓ અને ઈન્જેક્શનો આપતો હતો. ગંભીર બીમારીની પણ પોતે જ સારવાર કરતો હતો. SOGએ હોસ્પિટલમાં દરોડા પાડીને એલોપેથિક દવાઓ અને સાધનો મળી કુલ રૂ. 13 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ VIDEO : દીકરીના 5 લાખ, દીકરાના 10 લાખ!, પાટણમાં બાળક વેચવાના કૌભાંડ મામલે મોટા આક્ષેપ
'એક અનાથ બાળક આવ્યું છે, બાબો છે.. તમે હોસ્પિટલ આવી જાઓ'
ફરિયાદીના FIRમાં જણાવ્યા પ્રમાણે, તેના લગ્ન ઉત્તરપ્રદેશના અલાહાબાદ ખાતે વર્ષ 2015માં સાથે થયા હતા. લગ્ન સંસાર દરમિયાન દંપતિને સંતાન થતું નહોતું. જેથી વર્ષ-2023માં નરેન્દ્ર દરજી નામના શખ્સ જેઓ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવે છે તેમણે ફરિયાદીને વાત કરી હતી કે, 'અહીંયા અમારી હોસ્પીટલમાં ઘણી વખતે અનાથ બાળકો આવતા હોય છે અને તારે આવું કોઇ અનાથ બાળક દત્તક લેવું હોય તો કેહજે.' આથી ફરિયાદીએ તેને કહ્યું હતું કે, આવું કોઇ બાળક આવે તો તેની મને જાણ કરજે અને મને બાળક ગમશે તો હું તેને લઇ જઇશ. ત્યાર બાદ થોડા દિવસ પછી નિષ્કા હોસ્પિટલમાં નોકરી કરતા અમરતભાઈ રાવળનો ફરિયાદી ઉપર ફોન આવ્યો અને તેમણે વાત કરી કે, 'અમારી હોસ્પીટલમાં એક અનાથ બાળક આવેલ છે જે બાબો છે. તો તમો હોસ્પિટલ આવી જાઓ.'
'આ અનાથ બાળક છે અને તેના કોઇ વાલી વારશ નથી'
ફરિયાદીએ વધુમા જણાવ્યું હતું કે, 'ફોન આવ્યા બાદ હોસ્પીટલમાં ગયો હતો અને હોસ્પીટલમાં બાળકને આઇ.સી.યુ.માં રાખેલું જોયું હતું. તેની તબિયત નાજુક હતી અને આથી તેમને વાત કરતા તેમણે મને કહેલું કે બાળક અઠવાડીયામાં હેલ્ધી થઈ જશે. જેથી મેં તેમને કહેલું કે, આ બાળક કોણ લઇને આવ્યું છે? પછી અમરતે જણાવ્યું હતું કે, કોરડાના સુરેરશભાઇ ઠાકોર લઇને સારવાર કરાવવા માટે આવ્યા છે અને તે બાળકને અહીંયા સારવાર કરાવવા માટે હોસ્પીટલમાં દાખલ કરાવીને ઘરે ગયા છે અને તે બે દિવસ પછી હોસ્પિટલ આવવાના છે. બાળકને હોસ્પીટલમાં જોઈને ત્યાંથી ઘરે ગયો હતો અને મારા ઘરે જઇને વાત કરીને બાળક દત્તક લેવાની ચર્ચા વિચારણા કર્યા બાદ અમે બાળક દત્તક લેવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે હું તથા મારી પત્ની બન્ને જણા નિષ્કા હોસ્પિટલમાં બાળકને જોવા માટે ગયા હતા અને બાળકને અમે હોસ્પિટલમાંથી જોઇને જતા રહ્યા. સુરેશ ઠાકોર બાળકની ખબર કાઢવા માટે હોસ્પિટલ આવતા અમરતભાઈએ મારી સુરેશભાઇ ઠાકોર સાથે વાત કરાવી હતી. સુરેશ ઠાકોરને મે અમારી એજન્સી ઉપર બોલાવ્યા અને તેમણે મને વાત કરી હતી કે, આ અનાથ બાળક છે અને તેના કોઇ વાલી વારશ નથી. જેથી હું તેની સારવાર કરાવવા માટે હોસ્પીટલમાં દાખલ કરાવવા લઈને આવ્યો છું. તમારે બાળક જોઈતું હોય તો બાળક સ્વસ્થ થાય તો તમો લઇ જજો અને આ બાળકના તમારે મને રૂ. 1,20,000/-આપવાના થશે તેવું નક્કિ થયું હતું. અને મેં બાળકના દત્તકના કાગળો તથા જન્મના પ્રમાણાપત્રની વાત કરતા આ સુરેશભાઇએ મને કહ્યું કે, હું તમને જન્મનું પ્રમાણ પત્ર લાવી આપીશ અને આ બાળકને તમે લઇ જાઓ ત્યારે મને રૂ.50,000/-અને બાકીના બાળકનું જન્મનું પ્રમાણપત્ર આપે ત્યારે આપવાના એવું નક્કી કરેલું હતું. બાકીના રૂ.20,000/-નરેન્દ્ર દરજીને આપી દેવાનું કહ્યું હતું. એટલું જ નહીં આ સુરેશભાઇએ મારી પાસે ટોકન પેટે કંઇ આપવું હોય તો આપો એવું કહ્યું હતું. જેથી મેં તેમને એકાવન રૂપિયા ટોકન પેટે આપ્યા અને બાળક હોસ્પિટલમાંથી સ્વસ્થ થાય ત્યારે લઇ જવાનું કહીને સુરેશભાઇ ઠાકોર ત્યાંથી નિકળી ગયા હતા.
ડોક્ટરે 10000નું બીલ પકડાવી દીધું
હોળીના બે-ત્રણ દિવસ પછી બાળકને સારૂ થઇ જતાં સુરેશભાઈને બોલાવી તેમને રૂ.50,000/-આપ્યા અને ત્યારબાદ અમે નિષ્કા હોસ્પિટલમાંથી બાળકને લઇ જવાનું નક્કી કરીને અમે ડોક્ટરને મળ્યા તો તેમણે કહ્યું કે, હવે બાળક હેલ્ધી છે અને તેમણે બાળકની કેર કઈ રીતે કરવાની તે બાબતે મને તથા મારી પત્નિને સમજાવ્યું અને પછી 10 હજાર રૂપિયાનું બિલપકડાવી દીધું. જેને લઈને દવાખાનમાં મેડીકલવાળા નરેન્દ્રને મળ્યો અને તેમને વાત કરતા તેમણે મને કહ્યું કે, તમે 5 હજાર ડોક્ટર સાહેબને આપી દો અને હું ડોકટર સાહેબ સાથે વાત કરી લઉં છું. પછી 5 હજાર રૂપિયા આપીને દવાખાનથી અમે બાળક લઇ ગયા હતા અને અમારા ઘરે ડોક્ટરે આપેલી સલાહ મુજબ તેની કેર કરતા હતા.
આ પણ વાંચોઃ VIDEO : બોપલમાં નબીરા રીપલે સર્જેલો અકસ્માત નજરે જોનારા રાહદારીએ વર્ણવી ઘટના, જુઓ શું કહ્યું
'દત્તકના કાગળો હવે ન થઈ શકે'
ત્યારબાદ, એકાદ અઠવાડિયામાં અમે બાળકનું નામ વંશ રાખીને મે સુરેશ ઠાકોરને ફોન કરીને બાળકના જન્મ પ્રમાણપત્ર અંગે વાત કરતા તેમણે મારા અને મારી પત્નિના આધાર કાર્ડનો ફોટો મંગાવેલ જેથી મેં તેના મોબાઇલ ઉપ૨ મારા તથા મારી પત્નીના આધારકાર્ડના ફોટા તેમને વોટ્સએપથી મોકલી આપ્યા અને દશેક દિવસ પછી આ સુરેશ ઠાકોર પાટણ અમારી એજન્સી ઉપર આવીને મને બાળકના જન્મનું પ્રમાણપત્ર આપ્યું તે વખતે મેં તેમને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા. તે વખતે મેં તેમને વાત કરી કે, હવે મને બાળક દત્તક લેવાના કાગળો કરી આપો તો સુરેશે કહ્યું કે હાલ તમારે આની કંઇ જરૂર નથી અને દત્તકના કાગળો હવે ન થઇ શકે એટલા માટે મે તમારા નામનું બાળકનું જન્મનું પ્રમાણપત્ર આપેલ છે.
'બાળકને માથામાં પાણી ભરાય છે, પાછુ લઈ લો'
દશેક દિવસ પછી રાત્રિના સમયે બાળક વધારે બિમાર થઇ ગયુ, જેથી અમે સવારે નિષ્કા હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ગયા હતા અને ડોક્ટર સાહેબે બાળકને તપાસીને અમને કહ્યું કે, બાળકને કંઇ તકલીફ નથી તો અમે તેમને પૂછ્યું કે, બાળકનું માથું મોટું કેમ છે? તો તેમણે કહ્યું કે, તમે બાળકને જનતા હોસ્પિટલમાં લઇ જઇને બતાવી દો, અમે ત્યાં ડો.ધ્રુવ પટેલને બતાવવા માટે ગયા અને બાળકનું સી.ટી.સ્કેન કરાવ્યું અને પછી અમને કહ્યું કે, બાળકને માથામાં પાણી ભરાય છે અને તે વિશે અમને સમજાવ્યું પછી અમે બાળકને લઇને ઘરે પરત આવી ગયા અને સુરેશ ઠાકોરને ફોન કરીને વાત કરી કે, તમે હજી બાળકના દત્તકના કાગળો પણ કરાવી આપતા નથી અને બાળકને માથામાં પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે અને તેને સારૂ થાય એમ લાગતુ નથી. જેથી તમે આ બાળકને પાછુ લઈ જાઓ. દરમિયાન તેમણે મને કહ્યું હતું કે, હું થોડા દિવસ પછી પાટણ આવું છું અને આ બાબતે આપણે બન્ને રૂબરૂમાં વાત કરીએ. પછી હું સુરેશને પાટણ આવવા માટે અવાર-નવાર ફોન કરતો રહ્યો અને એકાદ અઠવાડિયા પછી તેઓ પાટણ અમારી એજન્સી ઉપર આવ્યા અને આ સુરેશ ઠાકોરે મને કહ્યું કે, બાળક તો સારૂ છે તો તમો તેને રાખવાની કેમ ના પાડો છો? તેમ કહીને સુરેશ ઠાકોરે તેના મોબાઇલમાંથી તેમના મિત્ર સરપંચને વિડિયો કોલ કર્યો અને મોબાઇલમાંથી આજુ-બાજુનું લોકેશન બતાવ્યું અને કહેલ કે, જુઓ સરપંચ આ બાળક છે તેમ કહીને ફોન કટ કરી દીધેલ હતો. પછી મને કહ્યું કે આ બાળકની જે સારવાર કરાવી તેની આખી ફાઇલ અને જન્મનું પ્રમાણપત્ર આપી દો જેથી મેં તેમને બધા ડોક્યુમેન્ટ આપી દીધા, પછી મેં તેમને બાળકના આપેલા મારા રૂપિયા પાછા આપવા કહ્યું તો, ચાલીસ હજાર રૂપીયા પાછા મળશે એવું જણાવ્યું હતું. પુરૂ પેમેન્ટ માંગતા મને કહ્યું કે, હવે આ બાળકને કોઇ ના લે તેને થરાદ બાજુ અનાથ આશ્રમમાં મુકવા જવું પડશે અને ત્યાં મારે રૂપિયા આપવા પડશે. તેમ કહીને સુરેશ ઠાકોર મારી પાસેથી બાળકને લઇને જતો રહ્યો હતો. ત્યારબાદ, મેં આ સુરેશભાઈ ઠાકોર પાસે અવાર-નવાર ફોન કરીને મારા રૂપિયાની ઉધરાણી કરી હતી, જેમાં મને આજસુધી રૂ.30,000/-પરત આપ્યા છે અને બાકીના રૂપિયા હજી સુધી મને પરત આપ્યા નથી અને મારો ફો ન પણ રીસિવ કરતા નથી.
ક્યારે બની ઘટના?
માર્ચ-2024 મહીનામાં નિષ્કા હોસ્પિટલ, પાટણ ખાતે સારવાર માટે બાળકને લવાયું હતું જ્યાંથી રૂપિયા 1,20,000/-માં વેચાણથી આપી અને તે બાળકના દત્તક આપવાના ડોક્યુમેન્ટ ન કરી આપી, તેમજ તેનું ખોટુ જન્મનું પ્રમાણપત્ર રાધનપુર નગરપાલિકા ખાતે ક્રમાંક:-963 તા.12/૦4/2024ના રોજ ખોટી રીતે નોંધણી કરાવી હતી.

