Patan: જ્ઞાન પંચમી નિમિત્તે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર ખુલ્લો, જૈન સમાજે પૌરાણિક ગ્રંથોની પૂજા કરી
આજે કારતક સુદ પાંચમ નિમિત્તે જૈન સમાજ દ્વારા 'જ્ઞાન પંચમી' પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે જૈન સમાજના લોકો પૌરાણિક ગ્રંથોની પૂજા કરીને જ્ઞાનની પરંપરાને જીવંત રાખે છે. આ ખાસ દિવસે, પાટણ શહેરના ઐતિહાસિક હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારને જૈન બંધુ-ભગિનીઓ માટે વિશેષરૂપે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જ્યાં તેમણે વર્ષો જૂની પરંપરા જાળવીને દુર્લભ હસ્તપ્રતોની પૂજા કરી હતી.
સોલંકી કાળથી જ્ઞાનની પૂજા:
ગુજરાતમાં સોલંકી કાળને 'સુવર્ણકાળ' તરીકે ઓળખવામાં આવે છે. આ કાળના રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર "સિદ્ધહેમ" વ્યાકરણ ગ્રંથની સવારી કાઢી હતી, ત્યારથી આ ભૂમિ પર જ્ઞાનની પૂજા થતી રહી છે. હિન્દૂ સંસ્કૃતિમાં આ દિવસ 'લાભ પાંચમ' તરીકે ઉજવાય છે, જ્યારે જૈન સમાજ તેને 'જ્ઞાન પંચમી' તરીકે ઉજવે છે.
હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર
પાટણ શહેરના પંચાસર દેરાસર વિસ્તારમાં સ્થિત હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર જ્ઞાનનું એક મોટું ધામ છે. આ ભંડારની સ્થાપના 7 એપ્રિલ 1939 ના રોજ તત્કાલીન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને વિખ્યાત સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના હસ્તે કરવામાં આવી હતી.
મુનિ પુણ્યવિજયજી મહારાજના ભગીરથ પ્રયાસોથી પાટણના 19 ગ્રંથ ભંડારોને એકત્રિત કરી વિવિધ ગ્રંથો અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ જ્ઞાન ભંડારમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને આયુર્વેદના મળીને કુલ 26000 હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં 27000 કાગળ પર લખેલા ગ્રંથો, 1000 થી વધુ તાડપત્રો અને બે દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે.
જ્ઞાન પંચમીના દિવસે પાટણના જૈન સમાજે આ જ્ઞાન મંદિરની મુલાકાત લઈ સોનાના વરખની સહીથી લખાયેલી હસ્તપ્રતો સહિતના પૌરાણિક ગ્રંથોનું પૂજન કરી તેમની ધરોહર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

