Video/ માત્ર થીંગડાથી નહિ ચાલે....! ગોધરા-અમદાવાદ હાઇવેની ખરાબ હાલત પર સાંસદે ખાનગી રિપોર્ટ તૈયાર કરાવી ગડકરીને મોકલ્યો!
ગોધરા-અમદાવાદ નેશનલ હાઇવેની બિસ્માર હાલત અને તેના કારણે વાહનચાલકોને પડી રહેલી ભારે હાલાકીનો મામલો હવે કેન્દ્રીય સ્તરે પહોંચ્યો છે. રાજ્યસભાના એક સાંસદે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના જ ખાનગી એજન્સી પાસે હાઇવેનો વિગતવાર સર્વે કરાવીને રિપોર્ટ તૈયાર કરાવ્યો છે અને તેને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મોકલી આપ્યો છે.
ટોલ ટેક્સ છતાં સુવિધાનો અભાવ
લાંબા સમયથી ગોધરા-અમદાવાદ નેશનલ હાઇવેની ખરાબ ગુણવત્તાને લઈને વાહનચાલકોમાં રોષ વ્યાપેલો છે. આ અંગે અવારનવાર ટોલ ઓથોરિટી અને નેશનલ હાઇવેના જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, કોઈ નક્કર ઉકેલ લાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. સાંસદે રજૂઆત કરી છે કે, હાઇવે પરથી તગડો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં વાહનચાલકોને યોગ્ય સુવિધાઓ આપવામાં ટોલ ઓથોરિટી તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે.
માત્ર 'થીંગડા' નહીં, નવીનીકરણની માંગ
ખાનગી એજન્સી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટના આધારે, સાંસદે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે કે, હાઇવે પર માત્ર 'થીંગડા મારવા' ને બદલે, તેની મૂળભૂત ખામીઓ દૂર કરીને સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવે.
વાવડી ટોલ પ્લાઝા નાબૂદ કરવાની માંગ પણ કરી છે.
હાઇવેની બિસ્માર હાલત ઉપરાંત, ટોલ બુથની સંખ્યાને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. સાંસદે એવી પણ માંગ કરી છે કે ગોધરાથી માત્ર 20 કિલોમીટરના અંતરમાં જ ત્રણ ટોલ બુથ આવેલા હોવાથી, તેમાંથી વાવડી ટોલ પ્લાઝાને નાબૂદ કરવામાં આવે.

