Panchmahal: ખાનગી શાળાની દાદાગીરી, RTIના વિદ્યાર્થીઓ પાસે કરી ફીની ઉઘરાણી
ગોધરાના બમરોલી રોડ પર આવેલી એક સ્કૂલના સંચાલક પર RTI નિયમોનું ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફીની ઉઘરાણીનો આરોપ લાગ્યો છે. આરટીઈ હેઠળ મફત શિક્ષણની જોગવાઈ હોવા છતાં, સંચાલક દ્વારા ફીની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ વાલીઓએ કરી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં બમરોલી રોડ પર આવેલી નિત્યમ સ્કૂલના સંચાલક પર Right to Education (RTE) નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આરટીઈ કાયદા હેઠળ, આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણની જોગવાઈ છે. જોકે, નિત્યમ સ્કૂલના સંચાલક દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પાસેથી ફીની માંગણી કરવામાં આવતી હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો છે. આવી ગેરકાયદેસર ઉઘરાણીને કારણે વાલીઓમાં અસંતોષ ફેલાયો છે, અને તેઓએ આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીપીઈઓ) સમક્ષ રજૂઆત કરી છે.
વાલીઓની ફરિયાદ
વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું કે, નિત્યમ સ્કૂલના સંચાલક દ્વારા આરટીઈના વિદ્યાર્થીઓ પર ફી ચૂકવવા માટે દબાણ કરવામાં આવે છે, જે સ્પષ્ટ રીતે કાયદાનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત, સંચાલકની દાદાગીરી અને ઉદ્ધત વર્તનથી વાલીઓ પરેશાન છે. આ બાબતે વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી છે, અને આ મામલે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

