Godhara: Social Media Influencerને પોલીસ મથકે બોલાવતા થયો હંગામો, ચોકીમાં તોડફોડ અને પથ્થરમારો

Godhara News : પંચમહાલ જિલ્લાના ગોધરામાં બી ડિવિઝન પોલીસ મથક પર આજે(19 સપ્ટેમ્બર) પશ્ચિમ વિસ્તારના લોક ટોળાએ ધમાલ મચાવી હતી. મળતી માહિતી મુજબ પોલીસ એક શખસને કોઈ કેસમાં તપાસ અને પૂછપરછ અર્થે પોલીસ મથકે લાવી હતી, એ શખસે બાદમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેથી થોડીવારમાં પશ્ચિમ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં બી ડિવિઝન પોલીસ મથક પર ધસી આવતા થોડા સમય માટે મામલો ગરમાયો હતો. જોકે સ્થિતિને પારખી જતા પોલીસ સ્ટેશનના અધિકારીએ વધારાનો પોલીસ કાફલો પોલીસ મથકે બોલાવી લીધો હતો, પરિસ્થિતિ વણશે નહીં તે માટે પોલીસ કાફલાએ ટોળાને વિખેરવાની કવાયત કરવી પડી હતી.
આ ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 17 લોકોની ધરપકડ કરી છે અને કુલ 88 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે શહેરમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.
ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આઇજી, એસપી, ડીવાએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કરવાની અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસની કાર્યવાહી બાદ હાલ મામલો થાળે પડ્યો છે.
મળતી માહિતી મુજબ, આગામી નવરાત્રિના તહેવારને લઈને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસ મથકે બોલાવી કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા કહેવામાં આવ્યું હતું. બાદમાં ઈન્ફ્લુએન્સર દ્વારા અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર હાથમાં લઈને વીડિયો બનાવ્યો હતો તે માટે પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો હોવાની ગેરસમજ થતા ટોળું એકત્ર થયું હતું. એકત્ર થયેલા ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ટોળાએ ચોકી નંબર 4 પાસે તોડફોડ કરી હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને પોલીસે ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું.

