Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : 7-day ultimatum to 50 families to remove pressure from Kadana Dam

VIDEO: Panchmahal/ કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કડક કાર્યવાહી; 50 દબાણકારોને 7 દિવસનું અલ્ટીમેટમ

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલના શહેરા તાલુકામાં કડાણા ડેમના વિસ્થાપિતોને ફાળવવામાં આવેલી જમીન પરના દબાણો દૂર કરવા વહીવટી તંત્રએ કમર કસી છે. ડેમલી બાદ હવે બામરોલી (બુઝર્ગ) ગામમાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી 50 જેટલા દબાણકારોને નોટિસ ફટકારવામાં આવતા વર્ષોથી વસવાટ કરતા પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store

કડાણા ડેમ નિર્માણ સમયે અંદાજે 55 વર્ષ પહેલાં જેમની જમીન દબાણમાં ગઈ હતી તેવા ખેડૂતોને શહેરાના ડેમલી અને બામરોલી સહિતના ગામોમાં જમીન ફાળવવામાં આવી હતી. જોકે, આ જમીનો પર અન્ય શખ્સોએ વર્ષોથી ગેરકાયદે કબ્જો જમાવી કાચા-પાકા મકાનો બનાવી દીધા હતા. વિસ્થાપિતોએ પોતાની જમીન પરત મેળવવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાતના ચીફ સેક્રેટરીને ત્રણ સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ આપતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જેને અનુલક્ષી વહીવટી તંત્ર દ્વારા ૫ માર્ચથી 13 માર્ચે 27 વિસ્થાપિતોને જમીનનો કબ્જો આપવા માટેનું આયોજન કરાયું હતું,ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડેમલી ગામમાં વિસ્થાપીતોને ફાળવવામાં આવેલી જમીન પર થયેલા કાચા પાકા મકાનો સહિતના અન્ય દબાણો મળીને આશરે 30 જેટલા દબાણો જમીન પરથી દૂર કરવામાં આવ્યા હતા.

જ્યારે બામરોલી (બુઝર્ગ) ગામમાં પણ કડાણા ડેમના અસરગ્રસ્તોને ફાળવેલ જમીનમાં અનઅધિકૃત કબ્જો અને કાચા પાકા મકાનો સહિત અન્ય દબાણો થયા હોવાથી વહીવટી તંત્ર દ્વારા આશરે 50 જેટલા લોકોને નોટિસ આપવામાં આવી હતી અને સાત દિવસમાં જમીન પર કરાયેલા ખેતી તેમજ બિનખેતી દબાણ ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાઇ રહી છે,જેને લઈને અસરગ્રસ્તોની જમીનમાં જે લોકોએ દબાણ કર્યું છે તેઓ દ્વારા મકાનમાં રહેલ ઘરવખરી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઘરની બહાર મુકતા જોવા મળ્યા હતા.

તંત્રની આ કાર્યવાહીથી વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારો માટે હાલ તો રહેવાનો આશરો છીનવાતા તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.દબાણ દૂર કરવાની મળેલી નોટિસ બાદ આ ગામમાં રહેતા અનેક પરિવારો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા,જોકે કેટલાક લોકોએ અસરગ્રસ્તોની જમીનમાં પાકા મકાન પણ બનાવ્યા હોય તેવા અનેક દબાણો પણ આગામી દિવસોમાં તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

તંત્રની નોટિસ બાદ બામરોલી (બુઝર્ગ )ગામમાં કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દબાણકર્તા પરિવારો પોતાની ઘરવખરી અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઘરની બહાર કાઢી રહ્યા છે. સ્થાનિક રહીશ શામળભાઈ ચારણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, "અમે 65-70 વર્ષથી, એટલે કે અમારી ચોથી પેઢીથી અહીં રહીએ છીએ. અમારી પાસે અન્ય કોઈ રહેઠાણ નથી. જો આ ઘર છીનવાઈ જશે તો 20 સભ્યોનો અમારો સંયુક્ત પરિવાર ક્યાં જશે? સરકાર આ બાબતે કંઈક વિચારે તે જરૂરી છે."