Navsari news: બનાવટી આધાર કાર્ડ પ્રકરણમાં નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Navsari news: નવસારી શહેરમાં નકલી આધાર કાર્ડ મુદ્દે આખરે આજે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કુલ 13 આધાર કાર્ડ ઓપરેટર સુપરવાઈઝરોને ફરજ મોકૂફ કરાયા બાદ આખરે છ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જલાલપોર મામલતદાર મૃણાલદાન ઈસરાણી ફરીયાદી બન્યા હતા. ગત છઠ્ઠી ડિસેમ્બરે કલેકટર કચેરીમાં કુલ 13 આધાર કાર્ડ સુપરવાઈઝરને ફરજ મોકૂફ કરાયા હતા. આ ફરજ મોકૂફ કરાયેલા સુપરવાઈઝરોમાં નવસારીના બિલીમોરા શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલરનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, નવસારીના જલાલપોર તાલુકાના કોલાસણા ગામની NRI મહિલાએ સરકારી ઠરાવ વિરુદ્ધ જઈને આધાર કાર્ડ બનાવ્યું હતું. આધારકાર્ડ બનાવવા માટે વિદેશી નાગરિકે 182 દિવસ ફરજિયાત ભારતમાં રોકાવું પડે છે. પ્રતીક્ષા પટેલ નામની મહિલાએ માત્ર 25 દિવસ ભારતમાં રોકાઈને આધાર કાર્ડ બનાવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. ગામના જાગૃત નાગરિકે વહીવટી તંત્રને ફરિયાદ કરતા તંત્ર આધારકાર્ડ કૌભાંડની જાણકારી મેળવી ચોકી ગયું હતું. મહિલા સાથે આધારકાર્ડ બનાવનાર ઓપરેટરની પણ સંડોવણી બહાર આવી હતી. નવસારી ટાઉન પોલીસ મથકમાં એનઆરઆઈ મહિલા સહિત આધાર કાર્ડ બનાવનાર ઓપરેટર વિરુદ્ધ આઈ.ટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં નવસારી જિલ્લામાં જમીનના દસ્તાવેજોમાં નકલી આધાર કાર્ડ પ્રકરણમાં વધુ ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે.

