'જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે', સાગબારાના આંદોલનમાં પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રીએ સરકાર પર કર્યા પ્રહાર

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીન વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં જમીનના ખેડાણ લઈને ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો જૂનો વિવાદ ફરી એકવાર વકર્યો છે, ત્યારે ખોપી ગામે આજે(2 ઑક્ટોબર) જાહેર સભા યોજાઈ હતી. જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ UPI 'બ્લેક ડે'નું સમર્થન કર્યું હતું.
સાગબારામાં જંગલ જમીન વિવાદ યથાવત
સાગબારાના ખોપી ખાતે યોજાયેલી જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, અનંત પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અનંત પટેલ, મહેશ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા. આ આગેવાનોએ આક્ષેપ કર્યા કે, સરકાર ઉદ્યોગપતિઓને નજીવા ભાવે હજારો એકર જમીન આપી રહી છે. જ્યારે સાગબારાના ખેડૂતોને વર્ષોથી ખેતી કરતાં હોવા છતાં જમીનના અધિકારો આપવા માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.
આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વન મંત્રી દ્વારા ખેડૂતોને પારણાં કરાવી સનદ આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ તે માત્ર આશ્વાસન પૂરતું જ સાબિત થયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે 25 વર્ષથી જે જમીનો પર તેઓ ખેતી કરી રહ્યા છે, ત્યાં વન વિભાગ પ્લાન્ટેશન કરીને જમીન પર કબજો મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. વન કર્મચારીઓ દ્વારા વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ: પૂર્વ મુખ્યમંત્રી
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓને સંબોધતાં જણાવ્યું કે, જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે અને સરકાર તથા વન વિભાગ માત્ર વ્યવસ્થાનો ભાગ છે. તેમણે આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલવાની વાત કરી હતી.
ખેડૂત આગેવાનોએ આગામી દિવસોમાં બળદગાડાં સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે આંદોલન કરવાની જાહેરાત કરી હતી. સાથે જ અત્યાર સુધી ચાલેલા સત્યાગ્રહ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતાં હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જંગલ જમીનના અધિકારનો મુદ્દો ફરી ગરમાતાં સાગબારા પંથકમાં આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ પકડે તેવા સંકેતો મળી રહ્યા છે.
UPI બ્લેક ડેનું અમે સમર્થન કરીએ છીએ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ
બીજી તરફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે UPI પેમેન્ટ બાબતે નિવેદન આપતાં જણાવ્યું કે, 'વેપારીઓ દ્વારા મનાવવામાં આવી રહેલા UPI બ્લેક ડેનું અમે સમર્થન કરીએ છીએ. મને પણ આજે ડીઝલ પુરાવા માટે કેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. લોકોને આદત પાડી અને હવે ટેક્સ વસુલાત કરનારી આ સરકાર અંગ્રેજો જે પ્રકારે ટેક્સ લેતા હતા તે પ્રકારે કરી રહ્યા છે.'

