Narmada: ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સરદાર સરોવર ડેમ 56% ભરાયો, વીજ ઉત્પાદનમાં પણ ફાયદો

નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધવાને કારણે ડેમની સપાટી હાલ 122.13 મીટરે પહોંચી છે, હાલમાં ડેમ 56 ટકા ભરાયેલો છે. આ ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે, જે સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે મહત્વનું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાંથી 67,979 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 35,280 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. હાલ ડેમમાં પાણીનો લાઇવ જથ્થો 1560.36 મિલિયન ક્યુબિક મીટર (MCM) છે. પાણીની આવકને કારણે રિવર બેડ પાવર હાઉસ (RBPH)ના ત્રણ અને કેનાલ હેડ પાવર હાઉસ (CHPH)નું એક યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે, જેનાથી વીજ ઉત્પાદનમાં પણ ફાયદો થઈ રહ્યો છે.
જો કે, ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

